માંગરોળ તા. ૧૨
માંગરોળ પોલીસે કેશોદના ડો.અજય સાંગાણી અને જેન્તીભાઈ ધુળાને માંગરોળ ખાતે પેરા મેડિકલના સર્ટીફીકેટો બોગસ આપી વિદ્યાર્થીઓ સાથે વિશ્વાસઘાત કર્યા હોવાની તેમજ છેતરપિંડી સહિત જુદી-જુદી કલમો હેઠળ બે મહિના પહેલા માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના અંતર્ગત પોલીસે આરોપીઓની રીમાન્ડની માંગણી કોર્ટમાં કરતા કોર્ટે હાલમાં આ બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
ગત ૧૯/૪ના રોજ માંગરોળના નગીચાણા ગામની વિદ્યાર્થીની સુમિત્રાબેન વિરમભાઈ પીઠીયાએ માંગરોળ પોલીસમાં ડો. અજય સાંગાણી, માનસીંગભાઈ સીસોદીયા, સંજય ઈસુડા અને જેન્તીભાઈ ધુળા તથા વીરેન્દ્ર મકવાણા વિરુઘ્ધ માંગરોળ શહેરના લીમડાચોક ના લોખંડવાલા કોમ્પલેક્ષમાં પેરા મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાત પાયોનિયર મેડિકલ ઈન્સ્ટિટયુટ ચલાવી માંગરોળ તેમજ અન્ય જગ્યાઓમાં બ્રાંચો ખોલી વિદ્યાર્થીઓ પાસેથી જુદા જુદા સત્રની ફી લઈ તેમને ખોટા પ્રમાણપત્ર આપ્યા હોવાની માંગરોળ પોલીસમાં ફરિયાદ થઈ હતી. જેમાં પોલીસે તમામ આરોપી સામે વિશ્ર્‌વાસઘાત અને છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધેલ હતો.
જે પાંચ પૈકીના બે આરોપીઓ ડો.અજય સાંગાણી અને જેન્તીભાઈ ધુળા માંગરોળ પોલીસમાં આગોતરા જામીન લેવા ગયા હતા ત્યારે પોલીસે આ આગોતરા સામે કોર્ટમાં રિમાન્ડમા માંગણી કરી હતી અને આરોપીની પુછપરછ કરવાની બાકી હોય અને તેવા સમયે પોલીસ ને આરોપીની અટક જરૂરી હોય ૧૪ દિવસ ના રીમાન્ડ ની માંગણી કરતા કોર્ટે આ બંને આરોપીઓને બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. હાલ આ બંને આરોપીઓ પોલીસે પ્રકરણનો ભેદ ઉકેલવા આકરી પૂછપરછ શરૂ કરી છે. આ અંગે માંગરોળ પી.એસ.આઈ ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે.