માંગરોળ, તા.ર
માંગરોળના લઘુમતી શખ્સની ઝમઝમ બોટ ઓખા બેટમાં કોલમ બીમ સાથે અથડાઈ જતા ક્ષતિગ્રસ્ત થઈ હતી. તેને રિપેરિંગ અર્થે માંગરોળ બંદર પર લાવવામાં આવી હતી. માંગરોળ બંદર ની ગોદી પર સામે કાંઠે રાખેલી બોટમાં રવિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતાં તેમાં સુતેલા ખલાસીઓ જાન બચાવવા નીચે કુદી પડ્યા હતા. ખલાસીઓ એ બોટ માલિક ફારૂકભાઇ મહીડા ને ફોન કરી જાણ કરી હતી. બોટ માલિકે લઘુમતી સમાજના આગેવાનો ને સાથે રાખી અડધી રાત્રે બંદર પર દોડી ગયા હતા. ફાયરબ્રિગેડ બોલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. તેવું ફાયબર એસોસિએશન ના પ્રમુખ હારૂન પડાયા પાસેથી જાણવા મળ્યું છે. જોકે એ દરમિયાન બંદર પર ના ખારવા સમાજના પ્રમુખ પરસોતમ કેશવ ને જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડ પહોંચે એ પહેલાં ખારવા સમાજના યુવાનો એ આગ બુઝાવવાની કોશિશ કરી હતી. તેવું ખારવા સમાજ ના પ્રમુખે જણાવ્યું હતું. માંગરોળ બંદર પર બોટ રાખવા બાબતે અનેકવાર લધુમતી અને ખારવા સમાજના લોકો વચ્ચે ઘર્ષણો થતાં આવ્યા છે. અને કેટલાક બનાવો એ કોમી સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે. અહીં વર્ષોથી ખારવા સમાજના લોકો બંદરની ગોદી પર પોતાનું આધિપત્ય જમાવી બેઠા છે. ખારવા સમાજ સિવાય કોઈ પણ સમાજના લોકોની બોટો લાંગરવા દેવામાં આવતી નથી અને એનકેન પ્રકારે લઘુમતી સમાજની કોઈ બોટ લાંગરવાના સંજોગો બને છે તો ઘર્ષણનું રૂપ ધારણ કરી લે છે. ત્યારે આવા સંજોગોમાં બોટ મા આગ લાગતાં અનેક પ્રકારના તર્ક વિતર્કો વચ્ચે બોટ માલિક ફારૂકભાઇ મહીડા એ માંગરોળ મરીન પોલીસમાં અજાણ્યા શખ્સો દ્વારા બોટ સળગાવી દીધી હોવાની ફરિયાદ નોંધાવતાં માંગરોળ મરીન પોલીસ ના પીએસઆઇ વાઘ, માંગરોળ ડીવાયએસપી ગઢવી જૂનાગઢ એફએસએલ ટીમ સાથે બંદર પર સળગી ગયેલી બોટનું પંચનામું કરવા દોડી આવ્યા હતા. જુનાગઢ એફએસએલ ટીમ બોટમાં લાગેલી આગ વિશે ઝીણવટભરી તપાસ કરી કેટલાક નમુનાઓ પણ પોલિથીન મા પેક કરી લીધા હતા. આ વિશે માંગરોળ ના ડીવાયએસપી જે. બી. ગઢવી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બોટ માલિક ની ફરિયાદ ના આધારે અમે તપાસ હાથ ધરી છે. અત્યારે જુનાગઢ એફએસએલ ના એક્સપર્ટો દ્વારા તપાસ થઈ રહી છે. બોટની અંદર અને બહાર એમ દરેક જગ્યાએ થી નમુનાઓ લિધા છે. તેમના રીપોર્ટ ના આધારે અમે કાર્યવાહી કરીશું. બનાવ એકસીડેન્ટલ છે કે ક્રિમિનલ તે રીપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. જો આ ઘટના ગુનાહિત હશે તો તેની એફઆઈઆર કરી ગુનેગારો વિરુદ્ધ શખત કાર્યવાહી કરવામાં આવશે. લધુમતી સમાજ ના આગેવાનો દ્વારા ડીવાયએસપી ને એફઆઈઆર કરવા ની માંગ કરી હતી. છેલ્લા પંદરેક દિવસ થી સોસ્યલ મિડિયામાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા અનેક મેસેજો અને અફવાઓ નું જોર વધ્યું છે. એ દરમિયાન જ ગત મધરાતે માંગરોળ બંદર પર લધુમતી શખ્સ ની બોટ સળગી જતાં અનેક પ્રકારના તર્ક વિતર્કો વહેતા થયા છે.