(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૩૦
માંગરોળની મુસ્લિમ મહિલા ખાતેદાર ખેડૂતની માંગરોળ તથા માનખેત્રા ગામે આવેલ ખેતીની જમીનમાંથી તેમની જાણ વિના હકક ઉઠાવી લેવાનું ખોટું સોગંદનામું કરી બંને જમીનોના ખેડખાતામાંથી તેનું નામ કમી કરાવી નખાતા આ બાબતે કરેલ લેખિત ફરિયાદોના આઠ માસ વિતવા છતાં આ સંબંધે કોઇ કાર્યવાહી ન થતાં જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરાતા ચોકી ઉઠેલા જિલ્લા પોલીસ વડાએ બંને મેટરોમાં સ્પષ્ટપણે ગુનો બનતો હોવાનું તારણ કાઢી તાત્કાલિક એફઆઇઆર દાખલ કરી તપાસ કરવા માંગરોળ પોલીસને હુકમ કરતા ભોગ બનનાર મહિલા અરજદારને આઠ માસ બાદ ન્યાય મળ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ માંગરોળના આયશાબેન હારૂનભાઇ જેઠવાના પિતા આહમદભાઇ કાસમભાઇ અલાદના અવસાન બાદ તેમની મોજે માંગરોળની રે.સ.નં. ૩૫૩ વાળી પોણા પાંચ વિઘા ખેતીની જમીન તથા મોજે માનખેત્રા ગામની રે.સ.નં.૧૬૪/ પૈકી ૩ની તથા ૧૬૪/પૈકી ર વાળી પચાસ વિઘા જમીનોમાં વારસાઇ નોંધોથી આ જમીનોના તેઓ સહમાલિક બનેલ હતા. બંને જમીનોમાંથી તેમની જાણ બહાર તેમના નામે ખોટા હકક ઉઠાવી લીધા સંબંધેના ડેકલેરેશનના ખોટા સોગંદનામાઓ કરી તેમની ખોટી અંગુઠાની સહીઓ કરી. અગુંઠો ઓળખાવી, ઓળખ આપી, બોગસ ડોકયુમેન્ટસ ઊભા કરી તેના આધારે મોજે માંગરોળ હક્કપત્રક નોંધ નં.૧૫,૮૮૪ તથા મોજે માનખેત્રા હક્કપત્રક નં.૨૩૮૩થી હક કમીની નોંધ દાખલ કરાવી બંને જમીનોમાં હક્ક કમીની નોંધના આધારે થતાં ફેરફાર બાબતેની ફરિયાદી મહિલાને મળવાપાત્ર લે.રે.કોડની કલમ ૧૩૫ ડીની નોટીસો ફરિયાદી મહિલાના નામે ખોટી અંગુઠાની સહીઓ કરી અંગુઠો ઓળખાવી બંને નોંધો પ્રમાણિત કરાવી બને જમીનોમાંથી ફરિયાદી મહિલાનું નામ તેમની જાણ બહાર કમી કરાવી નખાતા આ બાબતેની ફરિયાદી મહિલાને જાણ થતાં તેમણે ગત તા.૨૦/૦૭/૨૦૧૭ના રોજ બંને જમીનોમાંથી તેમની જાણ બહાર ગેરકાયદેસર રીતે નામ કમી કરી નખાયા સંબંધે જૂનાગઢ જિલ્લા આર્થિક નિવારણ ગુના સેલમાં આધારો સાથે લેખિત ફરિયાદો કરતા જિલ્લા અધિક્ષક કચેરી દ્વારા આ બંને ફરિયાદો સંબંધે કાર્યવાહી કરવા માંગરોળ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ફરિયાદો સંબંધે નિવેદનો લીધા બાદ લાંબા સમય સુધી કોઇ આગળની કાર્યવાહી ન થતાં મહીલા અરજદારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા નીલેશ જાજડિયા સમક્ષ રજૂઆત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક નીલેશ જાજડિયાએ પોલીસ પાસેથી બંને ફરિયાદો વાળા પ્રકરણો અને તપાસ અહેવાલ મંગાવી તેનો અભ્યાસ કર્યા બાદ મહિલા અરજદારની રજૂઆત તથા બંને ફરિયાદો અને તેની સાથે રજૂ થયેલ રેકર્ડ આધારિત પુરાવાઓ જોતા પ્રથમ દૃષ્ટિએ આ પ્રકરણે ગુનો બનતો હોવાનું તારણ કાઢી અને માંગરોળ પોલીસ મહિલા અરજદારના અંગુઠાના નિશાનવાળા સોગંદનામા, ૧૩પ ડીની નોટીસ, મામલતદાર કચેરીના સોગંદનામા રજિસ્ટરમાં અરજદારની અંગુઠાની સહીવાળું રેકર્ડ સહિતના અસલ દસ્તાવેજો કબજે લઇ મહિલા અરજદારની અંગુઠાની સહી મેળવી ફીગરપ્રીન્ટ નિષ્ણાંતને મોકલી અંગુઠાની સહીના પૃથક્કરણ રિપોર્ટના આધારે સહી સંબંધે ખરાઇ કરી કાર્યવાહી કરવાના બદલે માત્ર ચેપ્ટર કેશો દાખલ કરેલ હોય અને ગુનો નોંધેલ ન હોય જેથી મહિલા અરજદારની બંને ફરિયાદો સંબંધે પીએસઆઇ માંગરોળને મહિલા અરજદારની ફરિયાદોવાળા બંને પ્રકરણો પરત મોકલી અને મહિલા અરજદારની બંને અરજીઓનો અભ્યાસ કરતા સ્પષ્ટપણે ગુનો બનતો હોય તાત્કાલિક બંને પ્રકરણોમાં એફઆઇઆર દાખલ કરી તપાસ કરવા હુકમ કર્યો હતો. આ પ્રકરણમાં ઉડાણપૂર્વક તપાસ થાય તો બંને જમીનોના અન્ય લાભાર્થી સહ માલિકોનો રેકર્ડ આધારિત સંડોવણી ખૂલતી હોય ટુંક સમયમાં આ પ્રકરણમાં મોટા કડાકા-ભડાકા થવાની સંભાવનાઓ જોવાઇ રહી છે.