માંગરોળ, તા.૧૮
માંગરોળ બંદર પર આવેલા ઘાંચી મુસ્લિમ સમાજની માલિકીના વાહીદશાહ કબ્રસ્તાનમાં રાત્રે કેટલાક નઠારા તત્વોએ આગ લગાડી શહેરની શાંતિડ હોળવાનો હીન પ્રયાસ કર્યો હતો. અગાઉ પણ રાત્રે દફનવિધિ કરવા ગયેલ લોકોને ટોળા દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, સોમવારે મધરાતે એક મૈયતની દફનવિધિની તૈયારી કરવા ઘાંચી મુસ્લિમ સમાજના લોકો બંદર પર આવેલા તેમના વાહિદશાહ કબ્રસ્તાન પર ગયેલા ત્યારે કબ્રસ્તાનની અંદરઆગ લાગેલી જોવા મળેલ, નાળિયેરી અને લાકડાના ઢગલામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ચોકીદારનો ખાટલો પણ આગને હવાલે કરી દેવામાં આવ્યો હતો. એટલુ જ નહીં કબ્રસ્તાનની અંદર ઈબાદતગાહ પાસે રાખેલ પાણીની ટાંકીઓના નળ પણ તોડફોડ કરેલા પડેલ અને ત્યાં આંબાની કેરીઓ પણ તોડી પાડી મોટું નુકસાન પહોંચાડવામાં આવેલ. ત્યાં પહોંચેલા લોકોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરેલ અંતે ફાયરબ્રિગેડની મદદથી આગ ઓલવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ અને તોડફોડ કરેલા દ્રશ્યો જોતા કેટલાક નઠારા તત્વો ઈરાદાપૂર્વક મુસ્લિમ સમાજની લાગણી દુભાવવા અને બે કોમ વચ્ચે તનાવ પેદાકરવાના નિચ ઈરાદા સાથે કબ્રસ્તાનની અંદર ઘૂસી તોડફોડ કરી હોવાનું જણાઈ રહ્યું છે. રમઝાન માસના કારણે ચોકીદાર પણ હાજર ના હોય તેનો લાભ લઈ બંદર પર રખડતા નઠારા તત્વોએ આ હીન પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. થોડા દિવસ અગાઉ પણ મોડી રાત્રે એક મૈયતની દફનવિધિ કરવા ગયેલા લોકોને ટોળાએ ઘેરી લીધુ હતું અને તમે અત્યારે અહીં કેમ આવ્યા છો ? તમારે ફક્ત ૧૫ જણને જ આવવું તેવો ધોષ જમાવી દફનવિધિ કરવા ગયેલ લોકોને ડરાવવાનો પ્રયાસ કરેલ. તે સમયે આગેવાનો અને મરીન પોલીસે દોડી જઇ ટોળને કાબુમાં લીધુ હતું. પરંતુ અચરજની વાત એ છે કે, એ ટોળા પર લોકડાઉન જાહેરનામાના ભંગની કોઇ કાર્યવાહી થઈ નથી.
માંગરોળ બંદર પર બે સમુદાય વચ્ચે વૈમનસ્ય પેદા કરતા આવા અનેક બનાવો બન્યા છે પરંતુ હર વખતે મુસ્લિમ સમાજની સમાધાનકારી નિતિ હવે શૂળ બની રહી છે. આખરે આ નઠારા તત્વોને વેગ કોણ આપી રહ્યા છે ? આવા તત્વોને કાયદો-વ્યવસ્થાનો ડર કેમ લાગતો નથી ?
કબ્રસ્તાનમાં આગ લગાડવાની ઘટનાથી મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે. માંગરોળ પોલીસના ડીવાયએસપી જે.ડી. પૂરોહીત ઘટના સ્થળે દોડી જઈ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. ઘટનાની ગંભીરતા સમજી તપાસ હાથ ધરી છે. આ બાબતે માંગરોળ મરીન પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.