• હત્યાકાંડનાં પગલે કચ્છમાં હાહાકાર : હત્યારાને પકડવા પોલીસનાં ધમપછાડા • માત્ર ર વર્ષ અને ૭ વર્ષની માસૂમ બાળકીઓને મોતને ઘાટ ઉતારતા પિતાનો જીવ કેવી રીતે ચાલ્યો ??

(સંવાદદાતા દ્વારા)
ભૂજ, તા.ર૧
કચ્છમાં માંડવી તાલુકા જખણિયા ગામમાં એક જ પરિવારમાં ત્રણ પુત્રી અને ૩ર વર્ષીય પત્નીની હત્યા ખુદ પરિવારના મોભીએ જ કરી નાખતા ચકચાર મચી છે. આ હત્યાકાંડને અંજામ આપનાર શિવજી પચાણ સંઘાર (ઉ.વ.૩પ) હાલમાં ફરાર થઈ ગયો છે. આરોપી શીવજીએ તા.ર૧/૧૦ની બપોરના ૧૧ વાગ્યાના અરસામાં આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. સૌ પ્રથમ તેમણે પોતાની ૩ર વર્ષની પત્ની ભાવનાને બળજબરીપૂર્વક ઝેરી દવા પીવડાવી હતી. આ દરમ્યાન બૂમાબૂમ વચ્ચે ગામ લોકો ભાવનાને હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે પાછળ પોતાના ઘરમાં રહેલી ત્રણ પુત્રીઓ (૧) ધર્મિષ્ઠા (ઉ.વ. ર) (ર) કિંજલ (ઉ.વ.૭), (૩) તુપ્તિ (ઉ.વ.૧૦)ને પણ તીક્ષ્ણ હથિયારના ઘા મારી આરોપી શિવજીએ પોતાની માસૂમ પુત્રીઓને પણ મોતને ઘાટ ઉતારી નાખી ઘરના દરવાજાને બંધ કરી નાસી છૂટયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી શિવજી પોતાની પરિવારની આર્થિક નબળી સ્થિતિથી પરેશાન હતો ઉપરાંત તેની બન્ને નાની દીકરીઓ ધર્મિષ્ઠા અને કિંજલનો શારીરિક વિકાસ કોઈ બીમારીના કારણે થતો ન્હોતો. જેથી પણ શીવજી પરેશાન હતો અને આવા કારણે જ તેમણે આ જઘન્ય બનાવને અંજામ આપ્યો હતો તેવું પ્રાથમિક અનુમાન છે આમ છતાં આરોપી શિવજી પોલીસના હાથમાં આવે પછી હત્યાકાંડનું સાચું કારણ બહાર આવશે. આરોપી શિવજી મજૂરી કામ કરતો હતો. બનાવને પગલે સમગ્ર કચ્છમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે ભૂજ-માંડવી હાઈવે ઉપર આવેલા જખણિયા ગામમાં આ હત્યાકાંડથી ભારે હાહાકાર મચી ગયો છે અને ગામમાં પોલીસ તપાસ સિવાય સૂનકાર વર્તાયો હતો.