(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
સુરત જિલ્લાના માંડવી નજીક રામેશ્વર મહાદેવ મંદિરે સુરતના સરથાણા વિસ્તારના પરિવારો દર્શનાર્થે ગયેલા એક બાળક સહિત ત્રણ જણાના તાપી નદીમાં નાહવા પડ્યા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ડૂબી જતા કરૂણ મોત નિપજ્યા હતા. બનાવને પગલે પરિવારજનોમાં ભારેશોકની કાલિમા છવાઈ જવા પામી છે. બનાવ અંગે મળતી વિગત મુજબ સરથાણા વિસ્તારમાં વ્રજ વિલા રેસિડેન્સી વ્રજચોકમાં રહેતા શાંતિભાઇ નાનુભાઇ સેંજલિયા (ઉ.વ.૪૫ ), પાસોદરા પાટિયા રોડ નવકાર એપાર્ટમેન્ટમાં રહેતા સાઢુભાઈ અતુલ વશરામ સેંજલિયા (ઉ. વ ૪૦) અને કામરેજ નવાગામ શ્યામનગરમાં રહેતા નવ વર્ષના બાળક રૂદ્રાક્ષ અશ્વિન ગોરધન કાથરોટિયા ગઈકાલે ધૂળેટી તહેવાર નિમિત્તે માંડવીમાં તાપી નદી પાસે આવેલ રામેશ્વર મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ તાપી નદીમાં ન્હાવા માટે પડ્યા હતા, તે વખતે નાહતા નાહતા ત્રણેય જણા ઊંડા પાણીમાં ગરકાવ જતા ડૂબવા લાગ્યા હતા, જેથી તેમના પિરવારજનોએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ત્રણેય જણાની લાશને બહાર કાઢી હતી. બનાવને પગલે પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતા. ઘટનાને પગલે પરિવારમાં શોકની કાલિમા છવાઈ જવા પામી છે.
બે સગી બહેનો એકસાથે વિધવા થઈ ગઈ
હોળી પર્વ પર બે દિવસની રજા હોય હરવા-ફરવા માટે પરિવાર સાથે ગયેલા સરથાણા વિસ્તારના મુળે સૌરાષ્ટ્રવાસી પરિવારો પૈકીના માંડવી નજીક પસાર થતી તાપી નદી કિનારે આવેલા સિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિરે ગયા હતા, જ્યાં મંદિરે દર્શન કર્યા બાદ જોખમી જગ્યાએ તાપી નદીના પાણીમાં નાહવા પડ્યા હતા. આ ઘટનામાં મૃતક અશ્વિન સેંજલિયા અને શાંતિભાઇ સેંજલિયા બંને સગા સાઢુભાઇ થાય છે. બંને સગા સાઢુભાઇનાં મોત થતા બે સગી બહેનો વિધવા થઇ છે, જેથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.