(સંવાદદાતા દ્વારા)
ભૂજ, તા.૨૪
કચ્છના દરિયાકાંઠાની લાંબી ભૂગોળ ધરાવતી માંડવી-મુન્દ્રા વિધાનસભા બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી હોય તેમ જણાઈ રહ્યું છે. કોંગ્રેસે પોતાના રાષ્ટ્રીય પ્રવક્તા અને અગ્રણી શક્તિસિંહ ગોહિલને આ બેઠક ઉપર મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે પોતાના અગ્રણી અને આ બેઠકના વર્તમાન ધારાસભ્ય તારાચંદ છેડાના સ્થાને ક્ષત્રિય અગ્રણી વિરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપીને કોંગ્રેસને હરાવવાનો વ્યૂહ ઘડ્યો છે. માંડવી-મુન્દ્રા વિધાનસભા બેઠક ઉપર કુલ ૨,૨૪,૩૪૬ મતદારો નોંધાયા છે. તે પૈકી ક્ષત્રિય મતદારો ૨૧,૯૦૦ છે. ત્યારપછી રાજપૂત ૫,૬૩૪, આહિર ૩,૭૯૦, મુસ્લિમ ૫૦,૪૬૨, દલિત ૩૧,૨૩૩, કોળી, ૩,૩૪૧, લેવા પટેલ ૮,૧૧૪, કડવા પટેલ ૧૬,૭૯૫, રબારી ૪,૫૫૭, ભાનુશાલી ૨,૩૨૯, ગઢવી ૧૬,૫૫૨, લોહાણા ૨,૯૩૯, જૈન ૭,૧૮૧, બ્રાહ્મણ ૧૩,૭૧૯, ગોસ્વામી ૪,૩૪૧, સથવારા ૪,૪૧૫, સિંધી ૯૦, આંજણા પટેલ ૧૦૮, સોની ૨,૩૫૧, સંધાર, ૫,૩૦૧, શીખ ૬૨, દરજી-સુથાર ૩,૨૫૨, અન્ય ઈતર ૧૫,૮૮૦ મતો આ બેઠક ઉપર આવેલા છે. માંડવી અને મુન્દ્રા તાલુકા ઉપરાંત થોડાક ભૂજ તાલુકાના ગામ પણ આ બેઠકમાં સમાવિષ્ટ છે. નવા ચૂંટણી સિમાંકન પછી આ સ્થિતિ છે. તે અગાઉ મુન્દ્રા તાલુકાનો વિસ્તાર આ બેઠક ન હતો. અગાઉ આ વિસ્તારમાંથી ભાજપના પૂર્વ અગ્રણી સુરેશ મહેતા ચૂંટાઈને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા. સરકાર હજુ સુધી માંડવી બંદરનો અને માંડવી શહેરનો વિકાસ બહુ કરી શકી નથી. માંડવી ખાતે હવાઈ મથક બનાવવાનું ભાજપ સરકારનું વચન પણ હજુ હવામાં જ ઊડે છે. આ બેઠક ઉપર કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ જેવા લોકપ્રિય પ્રતિનિધિને ઉતારીને ભાજપને પડકાર ઊભો કરી દીધો છે. તેમાં બેમત નથી તો કોંગ્રેસે આ બેઠક જીતવા માટે મરણિયા બનવું પડશે તેવી આક્રમકતા ભાજપ દ્વારા પણ બતાવવામાં આવી રહી છે. માની લોકે ગુજરાતમાં કોંગ્રેસની બહુમતી આવે અને માંડવી બેઠક શક્તિસિંહના રૂપમાં કોંગ્રેસ જીતે તો આ બેઠકનું વજન રાજ્યસ્તરે મહત્ત્વનું બની જશે.