(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
પ્લાસ્ટિકના કન્ટેનરમાં રહેલા માઈક્રોવિંગ ફૂડના કારણે વંધ્યત્વ, મધુપ્રમેહ અને કેન્સર થવાની શક્યતા વધી જાય છે, એમ તાજેતરના એક સંશોધન બાદ વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું.
વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું હતું કે માઈક્રોવેવમાં પ્લાસ્ટિકના કન્ટેનરમાં ગરમ કરેલા ફૂડના કારણે હાઈબ્લડ પ્રેશર, તેમજ મગજની તકલીફ થવાની પણ શક્યતા રહેલી છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે, માઈક્રોવેવમાં પ્લાસ્ટિક કન્ટેનરમાં ખાદ્ય સામગ્રી ગરમ કરતી વખતે ૯પ ટકા કેમિકલ છૂટે છે. પ્લાસ્ટિક કન્ટેનરમાં કેટલાક નુકસાનકારક કેમિકલ્સ રહેલા હોય છે જે સામાન્ય રીતે બીપીએ તરીકે ઓળખાય છે. બીપીએ નામક કેમિકલ આપણા રક્તમાં ભળતાં તે ગંભીર સમસ્યા પેદા કરે છે અને તેના કારણે હોર્મોનલ પરિવર્તન થાય છે તથા સાથે વિવિધ પ્રકારના કેન્સરને નોતરે છે. બીપીએ કેમિકલ શુક્રાણુઓની સંખ્યા પણ ઘટાડે છે. પ્લાસ્ટિક કન્ટેનરમાં બીજા કેમિકલ પણ રહેલા છે જે સીધી રીતે કેન્સરને નોતરે છે. પ્લાસ્ટિક ગરમ થતાં તેના કેમિકલ ખોરાકમાં ભળે છે, એમ નવી દિલ્હીની ઈન્દિરા આઈવીએફ હોસ્પિટલના ડો.નિતાશા ગુપ્તાએ જણાવ્યું હતું. હૈદરાબાદ સ્થિત ગાયનેકોલોજિસ્ટ ડો. સ્વાતિએ જણાવ્યું હતું કે આપણે જેમ બને તેમ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવો જોઈએ અને કાચની વસ્તુમાં ખાદ્ય સામગ્રી પેક કરાવવી જોઈએ. કેમ કે ગ્લાસમાં ક્યારેય કેમિકલ ટ્રાન્સફર થતાં નથી.