(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૧૪
ગુજરાત સરકાર દ્વારા દરિયાઇ સીમમાં ફિસીંગ કરતા બોટ માલિકોને ડીઝલમાં વેટ સબસિડી બાદ મળતી હતી અને નાના પીલાણ બોટને કેરોસીન આપવામાં આવતું હતું, પરંતુ મત્સ્યોદ્યોગ કમિશનર દ્વારા તા.૧/૪/૨૦૧૮થી નવા નિયમો અંગે પરિપત્ર બહાર પાડી માછીમારોને સરકારની નવી નીતિ અનુસાર ડીઝલ કાર્ડ ધારક માછીમારને જૂના ડીઝલ કાર્ડ પરત લઇને નવા ડીઝલ કાર્ડ આપવા નક્કી થતાં મસ્ત્યોદ્યોગ કમિશનરની ગાઇડલાઇન મુજબ એક કરતા વધારે બોટ ધરાવતા માછીમાર કુટુંબ પાસેથી બોટની માલિકીની બોટ પૈકી કંઇ બોટ માટે ડીઝલ સબસિડી મેળવવા માંગે છે. તેની લેખિત બાંહેધરી સંમતી મેળવી અને વર્ષ દરમિયાન વધુમાં વધુ ૧.૧૪ લાખની ડીઝલ સબસિડી મળવા પાત્ર અંગેનો નિયમ લાગુ કરતી નવી અરજી ફોર્મ ભરવા અને તેની સાથે વીઆરસી કોલની પ્રમાણિક નકલ ફિસીંગ લાયસન્સ, વોઇસબુકની નકલ, ચૂંટણી કાર્ડ, મત્સ્યોદ્યોગ મંડળ સભ્ય અંગેનો દાખલો, જૂનુંુ ડીઝલ કાર્ડ, આધાર કાર્ડ, બાયોમેટ્રીક કાર્ડ, પાસબુક, રેશનકાર્ડ, પાસપોર્ટ ફોટા અને પાનકાર્ડ જેવા અગત્યના ડોક્યુમેન્ટ જોડવાનો નિયમ લાગુ કરાતાં માછીમારોમાં ભારે ચર્ચા ઉઠી છે. માછીમાર અગ્રણીઓના જણાવ્યા અનુસાર માછીમારો સિઝન દરમિયાન જે ડીઝલનો ઉપયોગ ફિસીંગ બોટમાં કરે છે. તે પૈકી અંદાજીત ૨ લાખ આજુબાજુ વેટ રકમ બાદ મળતી હતી. પરંતુ હવે તેમાં કામ મૂકી સરેરાશ માછીમારને ૧.૧૪ લાખની રકમ વેટની બાદ મળશે અને એક જ બોટ માલિકને એક જ બોટ માટે આ રકમ વેટની બાદ મળશે અન્ય બોટને તેનો લાભ મળશે નહી. પરંતુ એકથી વધુ બોટ ધરાવતા માછીમારોને આ નવા નિયમોના કારણે ભારે મુશ્કેલી સર્જાશે અને હાલમાં મોંઘવારીના કારણે એક તરફ માછીમાર ઉદ્યોગ ભાગી પડ્યા છે અને દરિયાના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. તેની સામે ફિસરીઝ સાથે જોડાયેલ ખલાસી, ટંડેલ તેમજ રાસન અને મજૂરોના પગાર સહિતના ખર્ચા આવક કરતા વધારે થતાં હોવાના કારણે મોટા ભાગની બોટના માલિકો આ વ્યવસ્થાથી દૂર થઇ રહ્યો છે અને પોતાની ફિસીંગ બોટ ખર્ચાઓના કારણે કાંઠા પર લંગારી રહ્યા છે. નાની બોટ અને પીલાણ બોટને રાજ્ય સરકાર કાર્ડ પર કેરોસીન આપતી હતી તે પણ બંધ કરી દેતા આવી સેંકડો પીલાણ બોટના નાના વર્ગના માછીમારોને પણ મોટો ફટકો પડી રહ્યો છે અને આવી બોટ પણ બંધ થતાં માછીમારો બેકાર બની રહ્યા છે. આ બાબતે સૌરાષ્ટ્રભરના માછીમાર અગ્રણી સંગઠનોએ આગળ આવી સરકારના નવા પરિપત્રનો વિરોધ કરી માછીમારોને થતાં અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઇએ તેવો માછીમારોમાં શૂર જોવા મળી રહ્યો છે.