માછીમારોને અપાતાં ડીઝલ ઉપરની એક્સાઈઝ ડ્યૂટી માફ કરો : તુલસી ગોહેલ • ગુજરાતના  બંદરોનો યુનોર્મ પ્રમાણે વિકાસ કરાતો ન હોવાથી ફિશની વેલ્યુ જોઈએ તેવી મળતી નથી

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૯
છાશવારે પાકિસ્તાન તેની નાપાક હરકત કરી ભારતીય માછીમારોનું અપહરણ કરીને લઈ જતા હોવાના બનાવો બને છે. તદ્‌ઉપરાંત ઘણીવાર માછીમારોને ચાંચિયો લૂંટી લેતા હોવાના બનાવો પણ બનતા હોય છે. તેમજ કુદરતી આફતો વખતે પણ માછીમારોને પડતી તકલીફોને લીધે માછીમારોનોે જીવ બચાવવા તેમને આધુનિક ઝડપી ટેકનોલોજી આપવાની સાથે તેમના હક્કો સુરક્ષિત રાખવા માછીમારોએ વડાપ્રધાનને પત્ર લખીને રજૂઆત કરી છે.
ગુજરાતના અગ્રણી બોટ ઓનર્સ એસોસિએશને દરિયામાં આધુનિક સંદેશા વ્યવહારના સાધનોના અભાવે ગુજરાત સહિત દેશભરના મત્સ્યપાલક સમુદાયના જીવન અને મત્સ્યપાલન ક્ષેત્રને નડતી સમસ્યાઓ ઉજાગર કરી હતી. ઈન્ડિયન ફિશરમેન ફોર ટેકનોલોજી ઓપ્શનની ભારતીય માછીમારોની માંગને ટેકો આપતા વેરાવળ બોટ ઓનર્સ એસોસિએશન તથા ધ ખારવા સંયુક્ત માછીમાર બોટ એસોસિએશને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આ મામલે સીધો હસ્તક્ષેપ કરી મત્સ્યપાલન ક્ષેત્રના આધુનિકીકરણ અને વૃદ્ધિને વેગ આપવાની સાથે મત્સ્યપાલનની ઉત્પાદકતા વધારવા, વૈશ્વિક સ્તરની સ્પર્ધાત્મકતા ઊભી કરવા, ઊંડા દરિયામાં માછીમારોની સલામતી સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. વેરાવળ બોટ ઓનર્સ એસોસિએશન તથા ખારવા સંયુક્ત માછીમાર બોટ એસોસિએશનના અધ્યક્ષ તુલસીભાઈ ગોહેલે આ સમુદાયના પડકારો અંગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા કાયમી પડકારોને કારણે અમારા જીવન અને આજીવિકા પર સતત જોખમ તોળાયેલું રહે છે જેની માઠી અમારા સમુદાય અને પરિવારોની સુખાકારી પર પડે છે. સમયસર માહિતી કે ચેતવણીના અભાવે અનેકવાર માછીમારો મધદરિયે ફસાઈ જાય છે અથવા તેમણે જીવ ગુમાવવો પડે છે. આ ઉપરાંત ઘણીવાર અમારા વહાણો ભૂલથી અન્ય દેશની જળસીમામાં પ્રવેશી જતા હોવાથી તેમને ત્યાંના સત્તાવાળાઓ દ્વારા જેલમાં ધકેલી દેવાય છે. તાજેતરમાં જ ૧૫ સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાને ગુજરાતના ૪૯ માછીમારોને પકડી લીધાં હતા. આવી ઘટનાઓને કારણે અમે અત્યંત અસલામતી અનુભવી રહ્યાં છીએ. અમે દરરોજ અમારો જીવ જોખમમાં મુકીએ છીએ. અમારી સલામતી માટે અમને સરકારી સહાયની તાતી જરૂર છે. અત્યંત આધુનિક ટેકનોલોજી જે અમારા માટે ખૂબ ઉપયોગી નિવડી શકે તેમ હોવા છતાં કાંતો કેન્દ્ર અથવા રાજ્ય સરકારો દ્વારા તેનું અમલીકરણ નહીં થવાને કારણે અમને તેનો લાભ નથી મળી રહ્યો. ઉદાહરણ તરીકે, અમે સેટેલાઈટના માધ્યમથી દ્વી-પક્ષીય ડેટા કમ્યુનિકેશન્સની સુવિધા ધરાવતાં અને મધદરિયે પણ કાર્યરત રહેતા બીએસએનએલ ટ્રાન્સપોર્ડરનું પરિક્ષણ કર્યું હતું. વડાપ્રધાનના દીર્ઘદૃષ્ટિ ધરાવતાં પીએમએમએસવાય સુધારા થકી અમને પરિવર્તન વચન સાથે દરિયામાં માછીમારોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું છે. આ સુધારાના અનુસંધાનમાં અમે સરકારને ઝડપથી આધુનિક ટેકનોલોજીનું અમલીકરણ કરવા અપીલ કરીએ છીએ જેથી વધુ જાનહાનિ અટકાવી શકાય. દર સપ્તાહે અમારા અનેક ભાઈઓ દરિયામાં જીવ ગુમાવે છે. અમને આ બાબતનો તાત્કાલિક ઉકેલ જોઈએ છે તેમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલે જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજી ન હોવાથી ઘણીવાર માછીમાર દરિયાઈ સીમા ઓળંગીને પાકિસ્તાનની સીમામાં જતા રહે છે. એટલે જો તેમની પાસે આધુનિક ટેકનોલોજી હોય તો સીમા નજીક પહોંચે એટલે એલર્ટ થતાં જ તેઓ સતર્ક બની પાછા ફરી જાય. હાલ પાકિસ્તાનની જેલમાં ૩૦૦થી ૩૫૦ જેટલા માછીમારો છે. જ્યારે ૮૦૦ જેટલી બોટ પાકિસ્તાનના કબજામાં છે. તેમાંથી ૫૦ જ બોટ પરત લાવવામાં સફળતા મળી છે. જો કે દર વર્ષે દરિયામાં લૂંટ અપહરણની ચારથી પાંચ ઘટના બને છે. જો કે સેટેલાઈટ ફોન જેવી આધુનિક સુવિધા માછીમારોને મળે તો ખૂબ જ રાહત રહેશે. પરંતુ તે મોંઘી હોવાથી માછીમારો ખરીદી શકે તેમ નથી. ત્યારે સરકાર સેટેલાઈટ ફોન માટે માછીમારોને રાહત આપે તે જરૂરી છે. માછીમારો માટે વિવિધ માગણીઓ મુદ્દે તુલસીભાઈએ કહ્યું કે ગુજરાતમાં માછીમારી વિકાસ બોર્ડ લગાવવું જોઈએ. માછીમારો માટે આવાસ બનાવવા યોગ્ય સબસિડી આપવી જોઈએ. તદ્‌ઉપરાંત ગુજરાતમાંથી સૌથી વધુ સી-ફૂડ વિદેશમાં એક્સપોર્ટ થાય છે. પરંતુ ગુજરાતના બંદરોનો યુનોર્મ પ્રમાણે વિકાસ કરવામાં આવતો નથી. જેના લીધે સી-ફૂડની જોઈએ તેવી વેલ્યુ મળતી નથી. એટલે યુનોર્મ પ્રમાણે ગુજરાતમાં બંદરોનો વિકાસ કરાય તો ફિશની વેલ્યુ વધશે. તદ્‌ઉપરાંત માછીમારોને ડીઝલ ઉપર મળતી એકસાઈઝ ડ્યૂટી માફી છેલ્લા ૧૫ વર્ષથી બંધ કરી દેવાઈ છે તે પણ ફરીથી શરૂ કરવામાં આવે તો રાહત મળશે.