રાજકોટ, તા.૧૯
કૃષ્ણ અને યાદવો તેમજ બલરામ અંગે એક કથામાં કરેલ ટિપ્પણીઓને લઈને મોરારીબાપુ વિવાદમાં ઘેરાયા હતા. ચોતરફા વિરોધ બાદ આજે દ્વારકા ખાતે આહીર સમાજમાં અગ્રણીઓની હાજરીમાં મોરારી બાપુએ ફરી માફી માંગી આ વિવાદ પર પૂર્ણ વિરામ મૂક્યું છે. જો કે પત્રકાર પરિષદના સમાપન વેળાએ જ પૂર્વ ધારાસભ્ય પબુભા દોડી આવ્યા હતા અને મોરારીબાપુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને રાજ્યભરમાં પબુભા પ્રત્યે રોષ ફેલાઈ ગયો હતો. આ રોષ વધુ પ્રબળ બન્યો જ્યારે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્‌વીટ કરી ઘટનાની નિંદા કરી. બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે.
તેમણે ટિ્‌વટ કરી ને આ ઘટના સંદર્ભે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સીએમ રૂપાણીએ પોતાની ટિ્‌વટમાં જણાવ્યું છે કે, મોરારીબાપુ સાથે દ્વારકામાં થયેલી ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડું છું. આજે મોરારીબાપુએ દ્વારકાધીશના દર્શને આવીને દ્વારકાધીશ અને સમગ્ર આહીર સમાજની માફી માંગી લીધી છે ત્યારે તેમના ઉપર એ જ વાતને લઈને કરાયેલો હુમલાનો પ્રયાસ નિંદનીય અને અશોભનીય છે. સીએમએ ટ્‌વીટમાં ક્યાંય પબુભાના નામનો ઉલ્લેખ કર્યો નથી. સીએમની પ્રતિક્રિયા સામે આવ્યા બાદ હવે ભાજપના અન્ય દિગગજ નેતાઓ સાધુ-સંતો પણ મેદાને આવશે કે કેમ એ જોવાનું રહ્યું.