જૂનાગઢ,તા.ર
માણાવદર વિધાનસભાની સીટ પરથી ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ પક્ષના કાર્યકરો પર હુમલાઓ કરતા અને ટેલિફોનિક ધમકીઓ આપતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જૂનાગઢ શહેર તથા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસવડાને એક આવેદન પાઠવવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી અને માણાવદર વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોષી તેમજ વંથલીના કિશોરભાઈ ત્રાંબડિયા અને યુવા કાર્યકર્તા પિયુષભાઈ પરસાણિયા પર ભાજપ કાર્યકર્તાઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. ભાજપના કાર્યકરો દ્વારા ટેલિફોનિક ધમકીઓ આપી કહેવામાં આવે છે કે કોંગ્રેસને શા માટે મદદ કરી ? અમે હાર્યા તો તમારે આ વિસ્તાર છોડીને ભાગી જવાનું રહેશે. આવું તાનાશાહીભર્યું વાતાવરણ ઊભું કરી ભય ફેલાવવામાં આવે છે. જેથી ઉપરોક્ત ઘટનાનું ફરીવાર પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ અધિકારી દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા અને ભયનું વાતાવરણ ઊભું કરતા તત્વો સામે તાત્કાલિક પગલાં લેવા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જૂનાગઢ શહેર દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના એસપીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી.