(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૬
માણાવદર તાલુકાના રફાળા ગામે ગઈકાલે મોડી સાંજે બે પરિવારો વચ્ચે અગાઉના પ્રેમ-પ્રકરણ બાબતે ડખો થયો હતો અને ઘાતક હથિયારો વડે મારામારી થતાં એક યુવાનની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર જાગી છે. આ બનાવમાં મૃતકની ભાભીને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવેલ છે.આ ચકચારી બનાવની મળતી વિગત અનુસાર માણાવદર તાલુકાના રફાળા ગામના કંચનબેન મહિપતભાઈ ચાંડપા (ઉ.વ.૩૦)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર નયન ચના ચાંડપા, ચાનાભાઈ મંગાભાઈ ચાંડપા, કંચનબેન ચનાભાઈ ચાંડપા, દક્ષાબેન ચનાભાઈ ચાંડપા, અમીબેન મંગાભાઈ ચાંડપા, રમેશભાઈ મંગાભાઈ ચાંડપા (રહે.તમામ રફાળા)વાળા વિરૂદ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી નયન ચના ચાંડપા તથા મૃતક રસિકભાઈ વસ્તાભાઈ ચાંડપાની ઘરવાળી પૂજાને પ્રેમ સંબંધ હોય અને જેના કારણે રસિકભાઈ ચાંડપાએ તેની ઘરવાળીને છૂટાછેડા પણ આપી દીધા હોય અને જેનું મનદુઃખ સતત ચાલી રહ્યું હોય. નયન ચના ચાંડપાને ઠપકો આપવા જતાં આરોપીઓએ નયન ચના ચાંડપાએ રસિકભાઈ ચાંડપાને માથાના ભાગમાં કુહાડીનો ઘા મારી તથા ચનાભાઈ મંગાભાઈ ચાંડપાએ લોખંડના સળિયાથી તથા અન્ય આરોપીઓએ લાકડાના ધોકાથી માર મારતાં રસિકભાઈ વસ્તાભાઈ ચાંડપાને ગંભીર ઈજા પહોંચાડી હતી અને જીવલેણ ઘા મારતા રસિકભાઈ ચાંડપાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું. જ્યારે ફરિયાદીને પણ લાકડાના ધોકાથી માથાના ભાગે તથા શરીરે ઈજાઓ પહોંચાડવામાં આવતા તેમને જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવેલ. દરમ્યાન આ બનાવ અંગે પોલીસને જાણ થતાં બાંટવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.મારૂ અને પોલીસ સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયા હતા અને તપાસની કામગીરી હાથ ધરી છે.