નડિયાદ, તા.૬
માતર તાલુકાના નગરામા ગામ નજીક આવેલ કલસ્ટર એવારમેન્ટ નામની ફેકટરીમાંથી નીકળતા પ્રદૂષણને લઈ સાત ગામની પ્રજાએ ફેકટરી પર હુમલો કરતાં ચકચાર મચી હતી. લગભગ અધિકારીઓ, પોલીસ અને પ્રજા વચ્ચે ત્રણેક કલાક સુધી ઘર્ષણ ચાલ્યુ હતું. જેમાં આગ ચંપીના બનાવોમાં વાહનો ખાખ થયા હતા.
મળતી માહિતી મુજબ માતર તાલુકાના નગરામાં ગામ પાસે કલસ્ટર એવારમેન્ટ નામની ફેકટરી આવેલી છે. આ ફેકટરીના કચરાના નિકાલથી નગરામા સહિત સાત ગામોમાં પ્રદૂષણ ફેલાય છે ખેતી બગડે છે તેમજ પશુઓ અને માનવી રોગમાં સપડાય છે. સાત ગામની પ્રજાએ આ પ્રદૂષણ બંધ કરવા અગાઉ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. કલેકટરે અન્ય અધિકારીઓ સાથે ગામ અને ફેકટરીની મુલાકાત લીધી હતી અને ફેકટરીના માલિકો સાથે ગામના આગેવાનોની વાટાઘાટો કરાવી હતી, પરંતુ પ્રદૂષણના નિકાલનો કોઈ ઉકેલ આવ્યો ન હતો. આના પગલે સાત ગામની પ્રજા રોષમાં જોવા મળતી હતી આ રોષ આજે ફાટી નીકળ્યો હતો.
આજે ભેગા થઈને લોકોએ ફેકટરી પર હુમલો કર્યો હતો. તોડફોડ કરી વાહનોને નિશાન બનાવી આગ ચાંપી હતી. આની જાણ ફાયરબ્રિગેડ અને પોલીસને થતાં તેઓ બનાવ સ્થળે દોડી ગયા હતા. ફાયરબ્રિગેડ પર પણ હુમલો કરાયો હતો. અધિકારીઓ અને પોલીસના ધાડેધાડા ઉતરી આવ્યા હતા. પોલીસે તોફાની ટોળાને કાબુમાં લેવા પ્રયત્ન કર્યા પરંતુ ટોળું કાબુમાં ના આવતા પોલીસે બળપ્રયોગ કર્યા હતા અને તોફાનીઓને પકડવા જહેમત હાથ ધરી હતી. આ લખાય છે ત્યારે સ્થિતિ કાબુથી બહાર છે. હાલમાં પોલીસ એફઆઈઆર લેવાની કામગીરીમાં લાગી છે. પોલીસને તોફાની ટોળું કાબુમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
અત્રે નોંધનીય છે કે પ્રજાની રજૂઆત બાદ થોડા સમય ફેકટરી બંધ રહી હતી પરંતુ બાદમાં પુનઃ ચાલુ થતા મામલો બીચક્યો હતો.