જામનગર, તા.૨૫
જામનગરના સુવરડા ગામમાં એક મહિલાએ પોતાના ફૂલ જેવા બાળકને સાથે રાખી કૂવામાં ઝંપલાવ્યું હતું. દોડી ગયેલા ફાયર બ્રિગેડે તે મહિલાને જીવીત બહાર કાઢી લીધા છે જ્યારે બપોર સુધી બાળકનો પત્તો લાગ્યો નથી.
જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા સુવરડા ગામમાં રહેતા રસીલાબેન બાલેસભાઈ છૈયા (ઉ.વ. ૩૦) નામના મહિલા આજે સવારે પોતાના સાડા ત્રણ વર્ષના પુત્ર શિવમ્‌ સાથે ઘરેથી નીકળ્યા પછી ગામમાં જ આવેલા અંદાજે ૧૦૦ ફૂટ ઉંડા કૂવામાં ભૂસકો મારી ગયા હતા. ઉપરોક્ત દૃશ્ય ત્યાં હાજર લોકોએ નિહાળ્યા પછી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા જામનગર મહાનગરલિકાનો ફાયરનો કાફલો દોડી ગયો હતો.
ફાયરના જવાનોએ તાત્કાલીક શરૂ કરેલી કામગીરીમાં રસીલાબેનને જીવીત અવસ્થામાં બહાર કાઢી લીધા હતા. તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે તેમના પુત્ર શિવમને શોધવા માટે કૂવાનું પાણી ખંખોળવામાં આવી રહ્યું છે.
બનાવની જાણ થતા રસીલાબેનના પતિ બાલેસભાઈ તેમજ અન્ય ગ્રામજનો કૂવા પાસે આવી પહોંચ્યા હતાં. આ મહિલાએ કયા કારણથી પોતાના પુત્રને સાથે રાખી કૂવામાં ઝંપલાવ્યું તે જાણવા પોલીસે નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.