જામનગર,તા.૨૯
જામનગરના ભીમવાસમાં રહેતા એક શખ્સને તેની માતાએ પોતાના મોબાઈલમાંથી પ્રેમિકાને ફોન કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે માતાને બટકુ ભરી ઘરમાં આગ લગાડતા રૂા. એક લાખની ઘરવખરી સળગી ગઈ હતી. પોલીસે માતાની ફરિયાદ પરથી પુત્ર સામે ગુનો નોંધ્યો છે.
જામનગરના જુના રેલવે સ્ટેશન પાસે આવેલા ભીમવાસની શેરી નં.૨માં રહેતા પારૂલબેન દેવજીભાઈ વાઘેલાના મકાનમાં આગ લાગી હતી. જેમાં આ મહિલાની રૂા.એકાદ લાખની ઘરવખરી સળગીને ખાખ થઈ ગઈ હતી.
ઉપરોક્ત બનાવ પછી શનિવારે પારૂલબેને પોતાના ઘરમાં આગ લગાવવા અંગે પુત્ર ભરત દેવજીભાઈ સામે સિટી ‘બી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ભરત પોતાની માતા પારૂલબેનના મોબાઈલમાંથી પોતાના પ્રિય પાત્ર સાથે વાતો કરતો હતો. તેને પારૂલબેેને પોતાના ફોનમાંથી કોલ કરવાની ના પાડતા ભરત ઉશ્કેરાયો હતો.ત્યારપછી આ શખ્સે માતાને ગાળો ભાંડી હાથમાં બચકુ ભર્યું હતું અને માથામાં ઈજા પહોંચાડી હતી. આટલેથી નહીં અટકેલા ભરતે ગુસ્સામાં જ ઘરમાં આગ લગાડી હતી. જેના કારણે રૂા.એક લાખનું નુકસાન થયું હતું. પોલીસે ભરત વાઘેલા સામે ગુનો નોંધ્યો છે.