(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૪
શહેરના કોયલી ગામમાં રહેતા યુવાને માતાએ બાઇક લાવવા માટે રૂપિયા ના આપતા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે જવાહરનગર પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેર નજીકનાં કોયલી ગામની સીમમાં ખેતરમાં રહેતા દિનેશ રામસીંગભાઇ નાયક (ઉ.વ.૨૩) માતા અને પરિવાર સાથે રહેતો હતો. ખેત-મજૂરી કરતો હતો. દિનેશે માતા પાસે બાઇક લેવા માટે રૂપિયાની માંગણી કરી હતી.માતાએ રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. જેથી દિનેશે ગુરૂવારે મોડીરાત્રે પોતાના ઘરમાં ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી નાખી હતી. આ બનાવ અંગે આજે સવારે જવાહરનગર પોલીસને જાણ થતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.