(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩
માતા-પિતાએ યોગ્ય વર્તન કરવું જોઈએ કારણ કે બાળક માટે, તેનું ઘર સૌથી મોટી અને સૌથી અગત્યની શૈક્ષણિક સંસ્થા છે, તેમ ગુજરાત હાઈકોર્ટે તકરાર કરનાર દંપતીને ફરીથી બાળકોની ખાતર જોડાવાના પ્રયાસ સમયે જણાવ્યું હતું. આ કેસ બનાસકાંઠા જિલ્લાનો છે. આ દંપતી તેમના બે બાળકો જેમના એકની ઉંમર એક વર્ષ અને બીજાની ત્રણ વર્ષની છે તેમની કસ્ટડી અંગે ઝઘડો કરી રહ્યા હતા. પત્નીએ ગયા વર્ષે પોતાનું વૈવાહિક ઘર છોડી દીધું હતું અને અગથ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ સામે ક્રૂરતા અને દહેજની માગના મામલે ફરિયાદ નોંધાવી હતી. બે બાળકો તેમના પિતાની કસ્ટડીમાં હતા અને માતાએ તેમની કસ્ટડી પાછી મેળવવા કાનૂની લડત શરૂ કરી હતી. તેણે બાળકોની કસ્ટડી માટે થરાદ શહેરની મેજિસ્ટ્રેલ કોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ ૧૫ દિવસ પહેલા તેણે તેના બે બાળકો માટે હાઈકોર્ટમાં હેબિયાસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. હાઇકોર્ટની સૂચના પર પતિ તેના બાળકો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ સમક્ષ હાજર રહ્યો હતો. ૨૯ જૂને હાઈકોર્ટે થરાદમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મોહિત શર્માને દંપતી વચ્ચે મધ્યસ્થી કરવા અને તેમના ઉગ્ર સંબંધોનો ઉકેલ લાવવા પ્રયાસ કરવા જણાવ્યું હતું. બુધવારે, હાઇકોર્ટને જાણ કરવામાં આવી હતી કે પત્ની તેના લગ્ન અને તેના-પતિ અને બે બાળકો સાથે તેના લગ્ન જીવનમાં રહેવા સંમત છે. ન્યાયાધીશ સોનિયા ગોકાણી અને ન્યાયાધીશ એન વી અંજારિયાની ખંડપીઠે આ દંપતીને ફરી એક કરવા માટે ન્યાયિક અધિકારીની પ્રશંસા કરી હતી. હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે તેઓ ફક્ત પતિ-પત્ની જ નહીં પરંતુ માતા-પિતા પણ છે. “તેઓએ વધુ પરિપક્વતા અને સ્થિરતા સાથે કાર્ય કરવું પડશે, કારણ કે તેમની સહવાસ અને સહકારની રીત બંને બાળકોના જીવન પર ઉંડી અસર કરશે. તે ઘરે તેમના પોતાના વર્તનથી જ તેઓ બાળકોના ભાવિનું ઘડતર કરશે કારણ કે ઘર દરેક બાળકના જીવનની સૌથી મોટી અને સૌથી મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક સંસ્થા છે. દંપતીએ ઉચ્ચ અદાલતને ખાતરી આપી હતી કે તેઓ એકબીજાનું ગૌરવ જાળવશે. હાઈકોર્ટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને દંપતીને નિયમિત અંતરાલે કોર્ટમાં બોલાવીને છ મહિના સુધી તેનું નિરીક્ષણ અને માર્ગદર્શન ચાલુ રાખવા જણાવ્યું હતું. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, “આનાથી તેઓ સંબંધોમાં આવેલી ની ખટાશ દૂર કરવામાં મદદ કરશે અને જીવનસાથી તરીકેના તેમના બંધનને વધુ મજબૂત કરશે.”જો ભવિષ્યમાં બાળકોની કસ્ટડી અંગેનો વિવાદ ઉભો થાય તો બાળકોની વય જોતા તેમની કસ્ટડી માતાને આપવામાં આવશે.