દાહોદ, તા.૧૫
દાહોદથી ભાડાની ઈન્ડીકા ગાડીમાં બેસી ઝાલોદ જવા નીકળેલ મા-દીકરીને ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામે ગાડીના ચાલકે તેમના પર્સ લૂંટી ગાડી લઈ નાસી જતા આ સંબંધે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસની ટીમે જિલ્લામાં નાકાબંધી કરતા ઝાલોદ તાલુકાના પાવડી ગામેથી ગતરોજ વાહન ચેકિંગ દરમિયાન ચાલકને ગાડી સાથે ઝડપી પાડી તેની પાસેથી લૂંટનો રૂા.૧,૮૨,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધાનુ જાણવા મળે છે. ગત તા.૧૨/૦૨/૨૦૧૮ના રોજ સાંજના સમયે દાહોદથી ભાડાની ઈન્ડીકા ગાડીમાં બેસી મા-દીકરી ઝાલોદ ખાતે લગ્ન પ્રસંગમાં જવા નીકળેલ હતા અને એક ઈન્ડીગા ગાડીના ચાલક સાથે ભાડુ નક્કી ઝાલોદ ખાતે આવવા નીકળતા હતા તે સમયે ગાડીચાલકે ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામે સ્મશાન નજીક રોડ ઉપર રાત્રીના સમયે ગાડી ઊભી રાખી મા-દીકરીના પર્સની લૂંટ કરી ગાડી લઈ નાસી ગયો હતો ત્યારબાદ લૂંટનો ભોગ બનનાર શિલ્પાબેન અમુલભાઈ ભોગીલાલ દેસાઈએ આ સંબંધે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનાની ગંભીરતાને લઈ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ટીમને તૈનાત કરી આવતા જતા વાહનનોની તલાસી હાથ ધરતા હતા ત્યારે ઝાલોદ તાલુકાના પાવડી ગામે ત્રણ રસ્તા રોડ ઉપર પાવડી ગામ તરફથી એક શંકાસ્પદ ઈન્ડિકા ગાડી આવતા તેને થોભાવી ડ્રાઈવર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ શૈલેષભાઈ ઝીથરાભાઈ મુનિયા (રહે.મુડાહેડા, પડાવ ફળિયુ, તા.ઝાલોદ, જિ.દાહોદ) જણાવ્યું હતું. બાદમાં પોલીસે ઈન્ડિકા ગાડીની તલાસી લેતા ડ્રાઈવર સીટને સંતાડી રાખેલ કાળા કલરનું લેડીઝ મોટુ પર્સ મળી આવ્યું હતું. પોલીસે આ સંબંધે ડ્રાઈવરની ઘનિષ્ટ પૂછપરછમાં આવતા શૈલેષભાઈ ઝીથરાભાઈ મુનિયાએ ઉપરોક્ત મા-દીકરીના પર્સની લૂંટની કબૂલાત કરી હતી. પોલીસે તેની અટક કર્યા બાદ પર્સમાંથી ૪ નંગ સોનાની બંગડી કિંમત આશરે ૧,૪૦,૦૦૦, બે મોબાઈલ ફોન કિંમત રૂા.૨૫૦૦, જુદા જુદા દરની ચલણી નોટો તથા પરચૂરણ કિંમત રૂા.૧,૫૨૯, લેડીઝ પર્સ કિંમત રૂા.૩૦૦ વિગેરે મળી કુલ રૂ.૧,૪૪,૩૨૯નો મુદ્દામાલ કબજે લીધો હતો.