અમદાવાદ, તા.ર૮
રાજ્યમાં કોરોનાના કહેર અને લોકડાઉનની સ્થિતિમાં ધંધા-રોજગાર બંધ થતાં અનેક પરપ્રાંતિય શ્રમિકોએ વતનની વાટ પકડી હતી જ્યારે રાજ્ય સરકાર દ્વારા પણ પરપ્રાંતિય કામદારોને તેમના વતન મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે. મંજૂરી મળ્યા બાદ ૧થી ર૭ મે દરમિયાન આશરે ૩૦ લાખથી વધુ સ્થળાંતર કામદારો ગુજરાતમાંથી તેમના પોતાના રાજ્યોમાં જવા રવાના થયા હતા. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસમાં બે લાખ જેટલા કામદારો વતન જશે. આમ ૩૦ લાખથી વધુ પરપ્રાંતિય કામદારો વતન જતા રહ્યા હોવાથી ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ભારે નુકસાન થાય તેવી શક્યતા છે. સરકારી રેકર્ડ અનુસાર ૯૭૪ જેટલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં ૧પ.પ૮ લાખથી વધુ સ્થળાંતર કામદારોને તેમના વતનમાં પહોંચાવામાં આવ્યા છે જેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડીશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તમિલનાડુ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૯.પ૦ કામદારોને સરકારી અને ખાનગી બસોમાં પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં મોકલવામાં આવ્યા છે જ્યારે પગપાળા, સાયકલ અને અન્ય ખાનગી વાહનોમાં રાજ્ય છોડીને અનેક કામદારો વતન જતા રહ્યા છે. જો કે આ કામદારોમાંથી ર૦ લાખ જેટલા કામદારોએ પાછા ફરવા માટે નોંધણી કરાવી હતી. ઉપરાંત ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં જનારા કામદારોની સાથે ગુજરાતમાં એક જિલ્લાથી બીજા જિલ્લામાં કામદારો પણ મોટી સંખ્યામાં સ્થળાંતરિત થયા છે. કામદારોએ ભાવનગર, અમરેલી, જામનગર, દાહોદ અને નર્મદા જેવા જિલ્લાઓમાં પરત જવા માટે સુરત, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાંથી ઔદ્યોગિક કામો છોડીને વતન તરફ જતા રહ્યા છે જેની સીધી અસર આવનાર સમયમાં અનેક ઉદ્યોગ-ધંધા પર જોવા મળી શકે છે.