માંગરોળ, તા.ર૩
રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રામીણ કક્ષાની પ્રજાના જો કોઈ પ્રશ્નો હોય, તેના નિરાકરણ માટે જિલ્લા કક્ષા કે રાજ્યની રાજધાની ગાંધીનગર સુધી જવું ન પડે અને આ પ્રશ્નો તાલુકા કક્ષાએ જ હલ થઈ જાય એને ધ્યાનમાં લઈ ચોથા બુધવારે તાલુકા કક્ષા અને ગુરૂવારે જિલ્લા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી.
માંગરોળ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી પણ એક અધિકારી હાજર રહેતા હોય છે. આજના કાર્યક્રમમાં માંગરોળ ખાતે માંડવી-માંગરોળના પ્રાંત અધિકારી એ.કે. બારીયા હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમમાં એસ.ટી. અને માર્ગ અને મકાન વિભાગના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એસ.ટી. વિભાગ તરફથી માંડવીનાં ડેપો મેનેજર વી.આર. છત્રીવાલા એટીએસ અવીનાશ જ્યારે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)માંથી એસ.ઓ. પટેલ હાજર રહ્યા હતા. આ પ્રશ્નોની ચર્ચા શરૂ થતાં પ્રાંત અધિકારી એ.કે. બારીઆએ જણાવ્યું કે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં માત્ર વ્યક્તિગત પ્રશ્નો જ પૂછી શકાય એ સિવાયના પ્રશ્નો તાલુકા સંકલન સમિતિમાં પૂછવાના રહે છે. પ્રાંત અધિકારીએ ઉપરોકત વિગત જણાવતા ઉપસ્થિત અરજદારો અને અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આજદિન સુધી તમામ પ્રશ્નો આ કાર્યક્રમ પૂછવામાં આવી રહ્યા હતા અને એનાં જવાબો પણ આપવામાં આવતા હતા. સાથે જ આ અંગેનો અહેવાલ છેક રાજ્ય સરકાર સુધી મોકલવામાં આવતો હતો. વળી જે પ્રશ્નોનો ઉકેલ તાલુકા કક્ષાએ ન થાય તો તેને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોકલવામાં આવતા હતા ત્યારે એક એક પ્રાંત અધિકારીએ ઉપરોકત નવી જાહેરાત કરતા હવે સાચું શું છે ? એ માટે સુરત જિલ્લા કલેકટરને તથા રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયને લેખિતમાં તાલુકા ફરિયાદ કાર્યક્રમમાં કયા પ્રશ્નો પૂછી શકાય એ પ્રશ્ને રજૂઆત કરવામાં આવનાર છે. વળી આજના આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાની વિવિધ કચેરીઓમાંથી કોઈ હાજર ન રહેતા આ કાર્યક્રમ ફારસરૂપ પુરવાર થયો હતો.