અમદાવાદ, તા.૧૩
માત્ર શંકાના આધારે માલ કે વાહન કબજે કરવાની કારણ દર્શક નોટિસ પાઠવી શકાય નહીં એમ સેન્ટ્રલ ગુડસ અને સર્વિસ ટેક્સ એકટ ર૦૧૭ હેઠળ કબજે કરવામાં આવેલા માલસામાન છોડાવવા મુદ્દે કરાયેલી અરજીના અનુસંધાનમાં ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચે મહત્ત્વનું અવલોકન કરતાં જણાવ્યું હતું.
આ સમગ્રકેસની વિગત એવી છે કે અરજદાર નકોડા એન્ટરપ્રાઈઝ પાન મસાલાનો વ્યવસાય કરે છે અને તે મધ્યપ્રદેશના ઉજ્જૈનની અથરવા અન્ટરપ્રાઈઝને ૩પ લાખ રૂપિયાનો માલ-સામાન મોકલવાનો ઓર્ડર આપ્યો હતો. જે લઈને વાહન ગુજરાતની સીમામાં પ્રવેશ્યા બાદ સ્ટેટ ટેકસ વિભાગના અધિકારી દ્વારા તેને અટકાવ્યા બાદ કારણ દર્શક નોટિસ પાઠવી હતી. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ડિવિઝન બેંચે નોધ્યું હતું કે સેન્ટ્રલ ગુડઝ એન્ડ ટેકસ(સીજીએસટી) એક્ટ ર૦૧૭ની કલમ ૧૩૦ મુજબ માત્ર શંકાના આધાર પર માલ કે વાહન જપ્ત કરવા માટે શો-કોઝ નોટિસ આપી શકાય નહીં. ડિવિઝન બેંચે સ્ટેટ ટેકસ વિભાગ દ્વારા વાહન અને માલ-સામાન જપ્ત કરવા માટે આપેલી કારણ દર્શક નોટિસ રદ કરતા નોંધ્યું કે જે કારણો રજૂ કરી સ્ટેટ ટેકસ અધિકારી દ્વારા ડ્રાઈવરને માલ-સામાન અને વાહન જપ્ત કરવાની નોટિસ આપી છે તે ગેરકાયદેસર છે. સત્તાધીશો દ્વારા ડ્રાઈવરને માલ-સામાન અને વાહન જપ્ત કરવા માટે આપેલી નોટિસ અગાઉ આવી ઘટનામાં સંડોવાયેલા હોવાના પૂર્વગ્રહને આધારે આપવામાં આવી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે.
કોર્ટે નોંધ્યું હતું કે સેન્ટ્રલ ગુડસ અને સર્વિસ ટેકસ એકટ ર૦૧૭ની કલમ ૧ર૯નું ઉલ્લંઘન કરનાર વ્યક્તિના વાહન અને માલ-સામાન જપ્ત કરી શકાય છે. અરજદાર પક્ષનો માલ લઈને જતા ડ્રાઈવરે ૮ સપ્ટેમ્બરથી ૧૩ સપ્ટેમ્બર સુધીનું ઈ-બિલ રજૂ કર્યું હતું. જો કે સ્ટેટ ટેકસના અધિકારીની ટીમ દ્વારા વાહનને અટકાવવામાં આવી હતી.
માત્ર શંકાને આધારે વાહન કે માલ સામાન જપ્ત કરવા શો-કોઝ નોટિસ ન આપી શકાય : હાઈકોર્ટ

Recent Comments