(સંવાદદાતા દ્વારા)
કોડીનાર, તા.રપ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં સહેલગાહે આવી રહ્યા હોય દીવને દુલહનની જેમ શણગારવામાં આવી રહ્યું છે, તેમજ રાષ્ટ્રપતિના પેટનું પાણી પણના હલે તે માટે દીવના તમામ સ્પીડબ્રેકર (બમ્પ) કાઢી નાંખીને રોડને પેવર વડે મઢવામાં આવી રહ્યા છે અને તંત્ર દ્વારા રાષ્ટ્રપતિને માર્ગ સવારી દરમિયાન કોઈ તકલીફના પડે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે વર્ષોથી ખખડધજ રોડથી ત્રસ્ત આ વિસ્તારની પ્રજામાં રાષ્ટ્રપતિ સોમનાથથી દીવ હવાઈ મુસાફરીના બદલે રોડ માર્ગે સવારી કરે તો આ રોડ પણ તંત્ર દ્વારા ત્રણ દિવસમાં જ નવું નક્કોર બનાવી નાખે તેમ હોય રાષ્ટ્રપતિ આ રોડથી સફર કરે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.
તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અમદાવાદમાં ગરીબોના ઝુંપડાના દેખાય તે માટે સલ્મ વિસ્તારોને દીવાલથી ચણીને સુંદર રીતે મઢી દેવામાં આવી હતી. આ તો કોઈ વિદેશી મહેમાન આપણી આબરૂ ના કાઢી જાય તે માટે દીવાલ ચણી હોવાનું તો માની શકાય પરંતુ ભારત ના જ રાષ્ટ્રપતિ થી પણ ગરીબી સંતાડવા તંત્ર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે,દિવ પધારી રહેલા રાષ્ટ્રપતિના માર્ગમાં માત્રને માત્ર સૌંદર્ય જ દેખાય તેમ વાસ્તવિક પરિસ્થિતિને ઢાંક પીછોડો કરવા નાગવા બીચ પર આવેલા લારી, ગલ્લા, કેબીનોની આગળ મંડપ સર્વિસની સુશોભિત સાઈડપેક મારી સલ્મ વિસ્તાર ઢાંકવામાં આવ્યું છે. જે ખરેખર શરમજનક છે.