(એજન્સી) નાગુન/આસામ, તા.૧૮
સગીર બાળકીઓ સાથે થઈ રહેલી બળાત્કારની ઘટનાઓને લઈ આખો દેશ સ્તબ્ધ છે અને કેટલાક નેતાઓ પર પણ રેપ કેસના આરોપો લાગેલા છે જ્યારે આવા જ પ્રકારની એક ઘટના આસામમાં પણ બની છે. જેમાં ૧૧ વર્ષની બાળકી સાથે રેપ કરીને તેને જીવતી બાળી દેવામાં આવી હતી. નાગુન જિલ્લામાં એક બાળકી પર રેપ કરીને તેણીને જીવતી બાળી દેવામાં આવી, ત્યારે આખા ગામના લોકોએ ભેગા મળીને આરોપીને શોધવા માટે પોલીસની મદદ કરી અને એક ૨૧ વર્ષનો યુવક અને બે સગીર છોકરાઓની ધરપકડ કરવામાં આવી. ત્રણેય આરોપીઓ એ જ ગામના હતા.
રાજ્યની રાજધાની ગુવાહાટીથી ૧૫૦ કિમી દૂર આવેલ લાલુંગ ગામમાં સગીર છોકરી ઘરે એકલી હતી ત્યારે તેના પર ૨૩ માર્ચના રોજ રેપ કરવામાં આવ્યો હતો.
છોકરીની માતાએ કહ્યું કે, હું મારા કામ પર હતી ત્યારે ગામના લોકોએ મને જાણ કરી, અમે ઘરે આવીને જોયું તો મારી પુત્રી મોટાભાગે બળી ગઈ હતી.
ધોરણ પાંચમા ભણતી વિદ્યાર્થિની ૯૦ ટકા જેટલી બળી ગઈ હતી. જેનું હોસ્પિટલમાં મોત થયું હતું પણ મરતા પહેલાં તેણીએ એક આરોપીનું નામ કહ્યું હતું અને સાથે બે સગીર છોકરાઓએ મદદ કરી હોવાની વાત પણ કહી હતી.
મારી પુત્રી તેણીને બરાબર રીતે ઓળખતી પણ ન હતી. મને નથી સમજાતું કે, આ બધું મારી દીકરી સાથે કેમ થયું, પીડિતાના અશ્રુભિની સાથે પિતાએ જણાવ્યું.
૧૧ વર્ષીય બાળકીનાં મોત બાદ ગામના લોકોએ બે સગીરોને પોલીસે સોંપ્યા હતા. ત્યારબાદ ગામના લોકો મુખ્ય આરોપીને પકડવા તેના ઘરે ગયા હતા પરંતુ તે ત્યાંથી પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ તેને ગામથી ૪૦ કિમી દૂરથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઝાકિરની સગીરનાં મોતના ૭૨ કલાક બાદ ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ ધર્મનો સવાલ નથી, ભલે પીડિત છોકરી હિન્દુ હોય કે પછી આરોપી મુસ્લિમ હોય કોઈ ફર્ક નથી પડતો. ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો, તેને સજા મળવી જ જોઈએ મુબ્બસિર આલમ એ જ ગામના વ્યક્તિએ જણાવ્યું હતું. ગામના બધા લોકોએ ન્યાય અપાવવા માટે પોલીસને મદદ કરી હતી.