પાટણ, તા.૮
રાધનપુર તાલુકામાં પડેલ વરસાદ બાદ રપ ગામોને જ અસરગ્રસ્ત જાહેર કરવા સામે કિસાન કાન્તી ટ્રસ્ટે નારાજગી દર્શાવી સમગ્ર તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને એવી માંગ કરી હતી કે, ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ધરણા-પ્રદર્શન કરવામાં આવશે.
આવેદનપત્રમાં સમગ્ર તાલુકામાં ખેડૂતોના ખેતરોના સર્વે કરવામાં આવે, મોટાભાગના ખેતરોમાં પાણી ભરાયા છે અને પાકોને નુકસાન થયું છે. અતિવૃષ્ટિના ભોગ બનેલ આ ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પાક વીમો અને જમીન ધોવાણની નુકસાની વળતરની રકમ ચુકવવામાં આવે તે જરૂરી છે.