(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૫
શહેરના અડાજણ ખાતે રહેતા બે ભાઇઓ ઉપર પૈસાની લેતી દેતી મામલે અશરફ નાગોરીએ જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ સલાબતપુરા અને કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. માથાભારે અશરફ નાગોરી આ ગુનામાં તેમજ અન્ય ગુનામાં વોન્ટેડ હતો. ડીસીબી પોલીસે અશરફ નાગોરીને મુંબઇ મીરારોડ પરથી પકડી પાડી કોર્ટમાં રજૂ કરી ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે નામંજૂર કરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અડાજણ ખાતે અલનુર એપાર્ટમેન્ટમાં રહેતા રિઝવાન મોહમ્મદ ઐયુબ અંસારીએ વસીમ કુરેશીને શુટમાં ડાયમંડ લગાવવાનું કામ આપ્યું હતું જે મજૂરીના પૈસા રિઝવાને વસીમને આપ્યા ન હતા. બીજી તરફ અશરફ નાગોરીના સાળાના વસીમ કુરેશી પાસેથી પૈસા નિકળતા હતાં. પરંતુ રિઝવાન અંસારી વસીમને તેની મજૂરીના પૈસા ચૂકવે તો વસીમ અશરફ નાગોરીના સાળાને પૈસા આપે તેમ હતું. જેથી અશરફ નાગોરી વસીમ કુરેશી પાસે પૈસા લેવા આવ્યો હતો. જેથી વસીમ રીઝવાન પાસેથી તેના મજૂરી ર લાખ રૂપિયા નિકળે છે તે આવી જશે ત્યારબાદ ચૂકવી આપીશ તેમ અશરફ નાગોરીને જણાવ્યું હતું. જો કે, અશરફ નાગોરીએ વસીમ પાસેથી રીઝવાન અને તેના ભાઇ ઇકબાલ અંસારીનો નંબર મેળવી વસીમને પૈસા આપી દેવા કહ્યું હતું. આ મુદ્દે રીઝવાન અને તેના ભાઇ ઇકબાલની અશરફ નાગોરી સાથે માથાકુટ થઇ હતી અને અશરફ નાગોરીએ તેના સાગરીતો સાથે મળી રીઝવાન અને ઇકબાલ બંને ભાઇઓ ઉપર હુમલો કર્યો હતો. ઇકબાલે સલાબતપુરા પોલીસ મથકમાં અને રિઝવાને કતારગામ પોલીસ મથકમાં અશરફ નાગોરી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારથી અશરફ નાગોરી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળે છે. અશરફ નાગોરી વિરૂદ્ધ ૧૦થી વધારે ગુનાઓ નોંધાઇ ચૂક્યા હોવાનું જાણવા મળે છે. દરમિયાન ડીસીબી પોલીસે અશરફ નાગોરીને મુંબઇ મીરા રોડ પરથી પકડી પાડ્યો છે. પોલીસે તેના ૧૦ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે નામંજૂર કર્યા હતા. આરોપી તરફે નદીમ ચૌધરીએ દલીલો કરી હોવાનું જાણવા મળે છે.