(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
સુરત લિંબાયત ગોડાદરામાં રહેતા એક યુવકે મુંડન કરાવી લીધું હતું અને સગા સંબંધીઓમાં સમાચાર ફેલાવ્યા હતા કે, તેની માતા મરી ગઇ છે, જેથી ઘરે જોવા માટે સગાસંબંધીઓ આવવા માંડ્યા હતા. જ્યારે તેની માતા હયાત દેખાતા બધા ચોેંકી ગયા હતા. બાદમાં આ યુવકે જાતેજ પોતાના શરીર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેનું સ્મીમેર ખાતે મોત નિપજ્યું હોવાનું ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાયત ગોડાદરા ખાતે આવેલ આસ્તિક નગરમાં રહેતો દિપક પ્રહલાદ પરાતે (ઉ. વ.૨૭) હાલમાં અપરિણીત હતો અને માતા કૃષ્ણાબાઇ સાથે રહેતો હતો તથા કારખાનામાં કામ કરતો હતો. ગઇકાલે સાંજે માતા પ્રાયમસ બનાવવા માટે બજારમાં ગઇ હતી. ત્યારે દિપક ઘરમાંથી દાઝેલી હાલમાં મળી આવ્યો હતો અને ઘરથી સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા અને તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મરણ જાહેર કર્યો હતો. તેના પરિવારજનોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દિપકે જાતેજ શરીરે કેરોસિન છાંટીને અગ્નિસ્નાન કરી લીધુ છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા દિપકે મુંડન કરાવી લીધુ હતુ અને સગા સંબંધીઓમાં વાત ફેલાવી હતી કે, તેની માતાનું અવસાન થઇ ગયું છે. જેથી કેટલાક સગા સંબંધીઓ તેના ઘરે પહોંચી ગયા હતા. ત્યારે તેની માતા કૃષ્ણાબાઇને હયાત જોઇને બધા ચોેંકી ગયા હતા. જ્યારે દિપકને ટીખળ બાબતે પૂછતા તેણે યોગ્ય જવાબ નહીં આપ્યો હતો. એટલું જ નહીં પરિવારજનોએ એમ પણ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી તે વધારે દારૂ પીવા લાગી ગયો હતો. લિંબાયત પોલીસે બનાવ અંગે આગળની વધુ તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે.