(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
કોરોના વાયરસના જોખમને જોતાં ભારત સરકાર દ્વારા અચાનક સમગ્ર દેશ માટે લોકડાઉનના નિર્ણયથી ફફડી ગયેલા અન્ય રાજ્યોમાં કામ કરતા લાખો લોકો પોતાના પરિવાર સાથે ચાલતા જ વતનની વાટ તો પકડી છે પરંતુ તેઓ હાલ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. લોકો માથા પર સામાન, ખભા પર બાળકો અને ખાલી પેટે સૂમસામ ભાસતા માર્ગો પર ચાલી પડ્યા છે. લોકડાઉનને કારણે ટ્રેન સહિતની તમામ પરિવહન સેવાઓ બંધ હોવાથી અન્ય રાજ્યોમાં પેટ રળવા માટે કામ કરતા લોકોને પોતાના વતન જવા માટે કોઇ સાધન ન મળતા ઉત્તરપ્રદેશ, બિહાર સહિતના રાજ્યોના લાખો લોકો બાળકો, મહિલાઓ અને પરિવાર સાથે હજારો કિલોમીટરનું અંતર કાપવા ચાલતા જ નીકળી પડ્યા છે. તેમના માટે ભોજન, આશરો કે પાણીની કોઇ વ્યવસ્થા નથી. દિલ્હીમાં કામ કરતા યુપી અને બિહારના હજારો કામદારો, ગુજરાત અને રાજસ્થાનમાં રહેલા અનેક મજૂરો હાઇવે પર ચાલતા જઇ રહ્યા છે. મુંબઇ જેવા શહેરોમાં કામ કરતા ગુજરાત, યુપી, બિહાર અને રાજસ્થાનના લોકોએ પોતાના બાળકોને ખભે ઉપાડીને ભૂખ્યા-તરસ્યા જ ઘર તરફ પ્રયાણ કર્યું છે. કેટલાક રાજ્યોમાં તેમને સહાય કરવાને બદલે ત્યાં જ રોકાવા માટે સૂચના આપવામાં આવી રહી છે ત્યારે કેટલાક રાજ્યોમાં તો તેમને બોર્ડર પાર જવા દેવાતા નથી. દિલ્હીની સરહદ પર યુપી અને બિહારના લોકોને રોકી દેવાયા બાદ યુપી સરકારે તેમના નાગરિકોને પરત લાવવા માટે ૧૦૦૦ બસોની વ્યવસ્થા કરી જ્યારે બિહારના મુખ્યમંત્રીએ પોતાના લોકોને પરત લાવવાની વાત કરવાને બદલે લોકડાઉનની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આવી વ્યવસ્થાને કારણે લોકડાઉન સદંતર નિષ્ફળ જશે અને મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. મજૂરો અને કામદારો માટે રાજ્યોના હતાશાજનક વલણને કારણે દેશની અર્થવ્યવસ્થાનો પાયો ગણાવાતા આ લોકોનું જીવ જોખમમાં મુકાયું છે.

પરપ્રાંતિયો માટે સ્પેશિયલ બસોથી
‘હેતુ નિષ્ફળ જશે’ : નીતિશકુમાર

બિહારમાં ભાજપની સાથે મળીને સરકાર બનાવનાર અને કેન્દ્રમાં એનડીએના સાથી પક્ષ જેડીયુના સુપ્રીમો અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કોરોના વાયરસને પગલે કરેલાલોકડાઉનના ભયથી અનેક શહેરોમાંથી પોતાના વતન પરત ફરી રહેલા પરપ્રાંતિયો માટે અલાયદી બસોની વ્યવસ્થા સામે સવાલ ઉઠાવી કહ્યું છે કે, આનાથી સંક્રમણને ફેલાવાથી રોકવાની લડાઇ નબળી બનશે અને ઉલ્ટી અસર પડી શકે છે. બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારનું માનવુ છે કે, લોકડાઉનની વચ્ચે લોકોને તેમના વતન રાજ્યોમાં મોકલવાની બાબત યોગ્ય નથી. તેમણે કહ્યું છે કે, આનાથી કોરોના વાયરસનો ખતરો અનેક ગણો વધી જશે. કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લઈને હાલમાં દેશભરમાં ત્રણ સપ્તાહ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હોવા છતાં કેટલાક રાજ્યોથી લોકો પોત પોતાના વતન જવા માટે ચાલતા નકળી પડ્યા છે.તેમણે કહ્યું છે કે, લોકોને તેમના ઘર સુધી પહોંચાડવાની આ સમગ્ર કવાયત લોકડાઉનના ઉદેશ્યને ખતમ કરી દેશે. આગામી થોડા દિવસમાં આ વાયરસ આવી સ્થિતિને લીધે વધી ઝડપથી ફેલાઈ જશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લોકોને ઘરે મોકલવાના બદલે સારી બાબત એ રહેશે કે લોકલ સ્તર પર કેમ્પ લગાવવામાં આવે. રાજ્ય સરકાર તે કેમ્પનો ખર્ચો ઉઠાવશે. સરકાર તેમના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહી છે. ે