(એજન્સી) તા.૩૦
કોમી એકતા અને માનવતાનું એક દુર્લભ ઉદાહરણ પૂરૂં પાડતાં મસ્જિદના એક મુસ્લિમ ઈમામ સાહેબે તેમના કોરોનાથી મૃત્યુ પામેલા હિન્દુ પાડોશીના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા અને સંપૂર્ણ વિધિઓનું પાલન કર્યું હતું. આ ઘટના ઝારખંડના રાંચીના ધારવા વિસ્તારમાં બની હતી. ત્યાં મસ્જિદમાં નમાઝ પઢાવતા હાફીઝ ઈરશાદ ફક્ત હિન્દુ ધર્મના પાડોશીના મૃતદેહના તેઓએ અંતિમ સંસ્કાર જ નહોતા કર્યા પરંતુ તેમના ઘરેથી તેમના મૃતદેહને સન્માન સાથે સ્મશાનઘાટ સુધી પણ લઈ ગયા હતા. આ ઘટના બાદથી જ ઈમામ સાહેબની ભરપૂર પ્રશંસા કરવામાં આવી રહી છે. સૂત્રોના અહેવાલ અનુસાર ૬૫ વર્ષીય રાજ કુમાર ભારતી જે મસ્જિદની સામે જ રહેતો હતો તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હોસ્પિટલે લઈ ગયા બાદ સારવાર દરમિયાન તે મૃત્યુ પામી ગયો હતો. અહેવાલ અનુસાર તેના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે કોઈ આગળ આવી રહ્યું નહોતું. ત્યારે ઈમામ સાહેબે દરિયાદિલી બતાવતા આગળ આવીને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. તેના પછી કેટલાક લોકો તેમની સાથે જોડાયા હતા. જો કે, ઘણાં લોકો એવા હતા જેમણે આ અંતિમ સંસ્કારમાં સામેલ થવાનું ટાળ્યું હતું. તમને જણાવી દઈએ કે હાફિઝ મોહમ્મદ ઈરશાદ દેવગઢ જિલ્લામાં રહે છે તેઓ છેલ્લાં ઘણા સમયથી ત્યાં મસ્જિદમાં નમાઝ પઢાવવાનું કામ પણ કરે છે. કોરોનાથી મૃત્યુ પામેલા તેમના પાડોશીના પાંચ નાના-નાના બાળકો છે અને એક પત્ની પણ છે.