(એજન્સી) તા.૫
૨ સપ્ટેમ્બર ૨૦૨૦ની મધ્યરાત્રીએ ડૉ. કફીલ ખાનને અટકાયતમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે તેમની ધરપકડને ગેરકાયદે ગણાવતાં તેમના પર લગાવાયેલ એનએસએ એક્ટને પણ હટાવી તેમને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. જેના બાદ તેમને સાત મહિનાની જેલની સજા ભોગવ્યા બાદ મુક્ત કરી દેવાયા હતા.
જો કે, હવે કફીલ ખાનને એ વાતનો ભય છે કે યુપીની યોગી સરકાર તેમને અન્ય કોઈ કાયદાના જાળમાં ફસાવીને ફરી જેલના સળીયા પાછળ ધકેલી શકે છે. જો કફીલ ખાનની ધરપકડ અને તેમને યુપીની યોગી સરકાર દ્વારા નિશાન બનાવવાના ઈતિહાસ પર નજર કરીએ તો જાણ થશે કે માનવાધિકારોના સંરક્ષક વિરુદ્ધ એક કોમન રણનીતિ અપનાવાઈ છે. જ્યારે પણ આ વ્યક્તિને ફસાવવા માટે યોગી સરકાર પાસે કોઈ રસ્તો બાકી ન રહ્યો ત્યારે તેણે તેની સત્તાનો દુરુપયોગ શરૂ કર્યો અને એનએસએ જેવા કાયદા હેઠળ ખોટી રીતે કાર્યવાહી કરી નાખી. તેમની સામે અનેક કેસ નોંધી દીધા. તેમના પર અનેક ક્રિમિનલ ચાર્જિસ પણ લગાવી દીધા. ડૉ. કફીલ ખાનને નિશાન બનાવવા માટે યોગી સરકારે અવારનવાર કાયદાનો દુરુપયોગ કર્યો હતો. ગોરખપુર કેસની વાત કરીએ તો ૨૦૧૭માં ખાન વિરુદ્ધ અવગણના, ભ્રષ્ટાચાર અને બેદરકારી સહિત ફરજ ઈમાનદારીપૂર્વક ન નિભાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારે આશરે ૬૦થી વધુ બાળકો બીઆરડી મેડિકલ કોલેજમાં ઓક્સિજન ખૂટી પડવાને લીધે મૃત્યુ પામી ગયા હતા. આ મામલે વિભાગીય તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને મુક્ત કરાયા હતા તથા અલ્હાબાદ હાઈકોર્ટે ૨૫ એપ્રિલ ૨૦૧૮ના રોજ તેમને જામીન આપી દીધા હતા. જોકે ત્યારબાદ જ ત્વરિત જ યોગી સરકારે તેમને ફરી જેલમાં ધકેલી દેવા માટે તેમના પર એનએસએ એક્ટ હેઠળ કાર્યવાહી કરી નાખી અને ત્યારબાદ સમયાંતરે તેની મુદ્દતમાં વધારો કરીને તેમને જેલમાં જ રાખવાનો પ્રયાસ કરતી રહી.
Recent Comments