(એજન્સી) તા.૧ર
છેવ્ડાના માનવીને પણ ન્યાય અપાવવા માટે પોતાની લોખંડી કટિબદ્ધતા અને પ્રતિબદ્ધતા સાથે સમગ્ર દેશમાં માનવ અધિકારોના નવા માપદંડ ઊભા કરનાર બોમ્બે હાઈકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ હોસ્બેટ સુરેશનું ૯૧ વર્ષની વયે નિધન થયું હતું.
સૌના લાડલા એવા બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ આ પૂર્વ ન્યાયાધિશે નિવૃત્તિ બાદ પણ અનેક જાહેર પંચ અને ટ્રિબ્યુનલોમાં પોતાની સેવા આપી હતી. તેમણે જે-જે તપાસ પંચોમાં પોતાની સેવા આપી હતી તેમાં ગુજરાતના કોમી રમખાણો અને કાવેરીના હુલ્લડો ઉપરાંત અન્ય ઘણા માનવતા સામેના જઘન્ય અપરાધોની ઘટનાઓનો સમાવેશ થાય છે.
ન્યાયમૂર્તિ સુરેશનો જન્મ કર્ણાટકના હોસ્બેટ (સુરથકાલ) ખાતે ૨૦ જુલાઈ, ૧૯૨૯ના રોજ થયો હતો. તેમણે મેંગ્લોર યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી અને બેલગામની વિશ્વેશ્વરૈયા ટેકનોલોજીકલ યુનિવર્સિટિમાંથી એમ.એ.ની ડિગ્રી લીધી હતી. બોમ્બે યુનિવર્સિટીમાંથી તેમણે એલએલએમ કર્યું હતું. ૧૯૫૩માં તેમણે વકીલ તરીકેની પ્રેક્ટિસ કરવા બોમ્બે હાઈકોર્ટમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરવા સાથે તેમણે ગવર્મેન્ટ લો કોલેજ અને કેસી લો કોલેજમાં પાર્ટ ટાઈમ પ્રોફેસર તરીકે શિક્ષણ આપવાનું પણ શરૂ કર્યું હતું.
૧૯૬૭-૧૯૬૮ દરમ્યાન તેમણે બોમ્બે સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે સેવા આપી હતી. ૨૯ નવેમ્બર, ૧૯૬૮ના રોજ બોમ્બે સિટી કોર્ટના જજ અને અને એડિશનલ સેશન જજ તરીકે તેમની નિમણૂક થઈ હતી. જો કે, ૨૩ જૂન, ૧૯૮૦ના રોજ તેમણે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. ૧૯૮૨માં તેમને બોમ્બે હાઈકોર્ટના સિનિયર એડવોકેટ તરીકે નિયુક્ત કરાયા હતા.
૧૯૮૬માં તે ફરીથી ન્યાયતંત્રમાં પાછા ફર્યા અને બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજનો કાર્યભાર સંભાળ્યો હતો અને ૧૨ જૂન, ૧૯૮૭ના રોજ તેમની બોમ્બે હાઈકોર્ટના કાયમી ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક થઈ હતી અને ૧૯ જુલાઈ, ૧૯૯૧ના રોજ તે બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિવૃત્ત થયા હતા.
નિવૃત્તિ બાદ માનવ અધિકારોનું રક્ષણ કરવાનું કામ સંભાળ્યું
૧૯૯૧માં બેંગ્લોરમાં કાવેરી રમખાણોની તપાસ કરવા જસ્ટિસ તેવટિયાની સાથે તેમની પણ તપાસપંચના એક સભ્ય તરીકે નિમણૂક થઈ હતી. ત્યારબાદ ૧૯૯૨ ડિસેમ્બર અને ૧૯૯૩માં મુંબઈમાં ફાટી નીકળેલા કોમી રમખાણોની તપાસ કરવા ઈન્ડિયન પીપલ્સ હ્યુમન રાઈટ કમિશન દ્વારા નિવૃત્ત સિનિયર એડવોકેટ દૌડની સાથે તેમની પણ તપાસપંચના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી
જો કે, તેમની સૌથી મહત્ત્વની તપાસ તો ૨૦૦૨ની સાલમાં ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોની તપાસ હતી. ઈન્ડિયન પીપલ્સ ટ્રબ્યુનલની સત્ય શોધક ટીમમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ સર્વશ્રી પી.બી. સાવંત અને વી.આર.ક્રિશ્ન ઐયરની સાથે તેમનો પણ સમાવેશ કરાયો હતો. નિવૃત્ત ન્યામૂર્તિ ક્રિશ્ન ઐયરની આગેવાનીમાં આ સત્ય શોધક ટીમે ગુજરાતની મુલાકાત લીધી હતી અને ૨૦૦૦ જેટલા લેખિત અને મૌખિક પૂરાવા એકઠા કર્યા હતા. આ ટીમે ગુજરાત સરકારના અને પોલીસ ડિપાર્ટમેન્ટના કેટલાક વરિષ્ઠ અધિકારીઓની પણ જુબાની લીધી હતી અને “માનવતા સામે અપરાધ” શીર્ષક ધરાવતો એક અહેવાલ તૈયાર કર્યો હતો.