નવા સંશોધનમાં તાવ સાથે માનસિક સનેપાત અને ચિત્તભ્રમ, તીવ્ર માનસિક ભ્રમણા અને અનિર્ણાયક મનોદશા જેવા લક્ષણો શરીરમાં જોવા મળે છે
(એજન્સી) તા.૭
નવા સંશોધન દ્વારા એવું બહાર આવ્યું છે કે કોવિડ-૧૯ના પ્રારંભિક લક્ષણોમાં તાવ સાથે માનસિક સનેપાત અને ચિત્તભ્રમ, તીવ્ર માનસિક ભ્રમણા અને અનિર્ણાયક મનોદશા જેવા લક્ષણો શરીરમાં જોવા મળે છે. ચિત્તભ્રમ એ એક એવી સ્થિતિ છે કે જેમાં મગજમાં અણધાર્યા ફેરફાર થાય છે જેના કારણે વ્યક્તિ અનિર્ણયાત્મક મનોદશાનો ભોગ બને છે અને ભાવનાત્મક અવરોધ ઊભો થાય છે. તેના કારણે વિચારવામાં, યાદ કરવામાં, ઊંઘવામાં, ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી પડે છે. જરનલ ઓફ ક્લિનીકલ ઇમ્યુલોજી એન્ડ એમ્યુનોલ થેરપીમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ અનુસાર કોરોનાના લક્ષણોમાં સુંઘવાની અને સ્વાદ પારખવાની ક્ષમતા જતી રહે છે અને ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફના થોડા દિવસ પહેલા માથાનો દુઃખાવો થાય છે જેના કારણે કેટલાક દર્દીઓ માનસિક ચિત્તભ્રમનો ભોગ બને છે. આમ ભારે તાવ સાથે જો વ્યક્તિમાં અનિર્ણાયક મનોદશા જોવા મળે તો તેને કોરોનાના પ્રારંભિક લક્ષણો તરીકે ગંભીરતાથી લેવા જોઇએ. ખાસ કરીને વયોવૃદ્ધ દર્દીઓમાં આ લક્ષણો પર ખાસ ધ્યાન આપવું જોઇએ એવું સ્પેનના સંશોધક ઝેવિયર કોરિયાએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ખાસ કરીને મહામારી જેવી સ્થિતિમાં આપણે ખૂબ જ સતર્ક રહેવું પડે કારણ કે જો વ્યક્તિ અનિર્ણયકતા અને ગુંચવાડાના કેટલાક સંકેતો દર્શાવે તો તેને કોરોના સંક્રમણના લક્ષણો તરીકે લેવા જોઇએ. સંશોધક ટીમે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મગજના સંદર્ભમાં કોવિડ-૧૯ની થતી અસરો પર પ્રસિદ્ધ થયેલ વૈજ્ઞાનિક અહેવાલોની સમીક્ષા કરી હતી અને સમીક્ષામાં એવું બહાર આવ્યું હતું કે ચીનમાં સૌપહેલા ન્યૂમોનિયાના કેસો જોવા મળ્યા હતા જેને કારણે ફેફસા અને કિડની તેમજ હૃદય જેવા અન્ય અવયવોને નુકસાન પહોંચતું હતું પરંતુ હવે એવા નિર્દેશો મળી રહ્યાં છે કે કોરોના વાયર વ્યક્તિના જ્ઞાનતંત્રને પણ પ્રભાવિત કરે છે અને માથાનો દુઃખાવો, માનસિક સનેપાત, ચિત્તભ્રમ અને અન્ય માનસિક બીમારીના લક્ષણો પણ જોવા મળે છે.
Recent Comments