(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ કરવામાં આવેલા માનહાનિના દાવા બાદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. પહેલાં મુખ્યમંત્રીનો પક્ષ રજૂ કરી રહેલ વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ આ કેસને વચ્ચેથી છોડી દીધો હતો. હવે જેઠમલાણી બાદ તેમનો કેસ સંભાળી રહેલ અનૂપ જોર્જ ચૌધરીએ પણ કેસ લડવાનો ઈન્કાર કર્યો છે. તેમણે એક પત્ર લખી પોતાને આ કેસથી અળગા કરતા કહ્યું કે, આ મુદ્દે તેમની પાસે યોગ્ય પુરાવા કે દસ્તાવેજ નથી, જેના કારણે ૧ર ફેબ્રુઆરીએ સુનાવણી દરમિયાન તેમણે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જાણવાજોગ છે કે, રામ જેઠમલાણીએ પણ આ કેસ પડતો મૂક્યો હતો. ૧૭મે ર૦૧૭ના રોજ કોર્ટમાં મુખ્યમંત્રી કેજરીવાલ તરફથી કેસ લડી રહેલા વકીલ રામ જેઠમલાણીએ કાર્યવાહી દરમિયાન જેટલીને ‘ઝ્રર્ઇંર્ંદ્ભ’ (બદમાશ) શબ્દનો પ્રયોગ કરી સંબોધ્યા હતા. આ દરમિયાન અરૂણ જેટલીએ કહ્યું, શું તમને આવા અભદ્ર શબ્દનો ઉપયોગ કરવાની પરવાનગી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપી છે અને ત્યારબાદ આ મુદ્દે અરૂણ જેટલીએ મુખ્યમંત્રી પર અલગથી ૧૦ કરોડનો દાવો કરવાની વાત કરતા જેઠમલાણીએ આ કેસ પરત કર્યો હતો. આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ અરૂણ જેટલી પર ર૦૦૦થી ર૦૧૩ વચ્ચે ડી.ડી.સી.એમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. આ આરોપો પર જેટલીએ માનહાનિનો દાવો કર્યો હતો. જેટલીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત નેતા રાઘવ ચડ્ડા, કુમાર વિશ્વાસ, આશુતોષ, સંજય સિંહ અને દીપક બાજપેયી પર આ મુદ્દે આરોપ મૂક્યો હતો. દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ વિરૂદ્ધ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી દ્વારા દાખલ ૧૦ કરોડ રૂપિયાના એક નવા માનહાનિના કેસમાં મુખ્યમંત્રીના જવાબમાં મોડું થવાના કારણે સપ્ટેમ્બરમાં તેમને ૪૦૦૦ રૂપિયા દંડ ફટકાર્યો હતો. આ રકમ સેનાના રાહતફંડમાં જશે. જોઈન્ટ રજિસ્ટાર કેજરીવાલને આ પહેલાં પણ ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારી ચૂક્યા છે.