(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.ર૩
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઓનલાઈન અભ્યાસથી અનેક બાળકો વંચિત રહેવાનો વારો આવ્યો છે. ઓનલાઈન અભ્યાસથી અનેક બાળકોનું ભાવિ ધૂંધળું બન્યું છે ભિલોડા તાલુકાના છેવાડાનું ગામ કૂંડોલ-પાલ ગામમાં નેટવર્કના ધાંધીયા અને ઈન્ટરનેટના અભાવે બાળકો ઓનલાઈન શિક્ષણ મળતું ન હોવાથી વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કર્યા પછી પણ નેટવર્ક ન મળતા ગ્રામજનોએ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરી રેલી સ્વરૂપે ભિલોડા મામલતદારને આવેદન પત્ર આપી નેટવર્ક અને ઇન્ટરનેટની સુવિધા ઉપલબદ્ધ કરાવવા રજુઆત કરી હતી. કુડોલપાલ ગામના ગ્રામજનો માથે કોમ્પુયટર મૂકી રેલી અને સૂત્રોચ્ચાર સાથે ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ગામમાં મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટના અભાવથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસથી વંચીત રહેતા બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે નેટવર્ક કે ઇન્ટરનેટની સુવિધા ન હોવાથી ઓનલાઈન શિક્ષણ કઈ રીતે શક્ય બની શકે ? આ અંગે લોકડાઉન સમયથી ગામના સરપંચ અને જાગૃત નાગરિકોએ ઇમેઇલ મારફતે અને મૌખીક રજુઆત કલેકટરને પણ કરવામાં આવી છે તેમ છતાં સમસ્યાનું સમાધાન થયું નથી ગામમાં પોસ્ટ ઓફીસ અને સહકારી મંડળી તથા ડેરી પણ આવેલી છે તમામ લોકોને નેટના અભાવે કામ કઈ રીતે કરવું તે સવાલ છે ? મંડળીનું રાશન આપવા માટે જ્યાં નેટ આવતું હોય તે ગામમાં જઇને અંગુઠો કરાવવો પડે છે જેમાં તમામ ગ્રામજનોનો ખૂબ સમયનો બગાડ થાય છે. પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ ઓનલાઈન હાજરી બતાવા નેટ શોધવા નીકળવું પડે છે !