ગાંધીનગર, તા.૧૪
વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે થયેલી છુટ્ટા હાથની મારામારીનો મુદ્દો હાલ ગુજરાતભરમાં ગાજી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, લોકશાહી માટે કલંકિત સાબિત થયેલી આ ઘટનાને લઈ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા માંગે છે. જેને કારણે અધ્યક્ષની ચેમ્બરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ અધ્યક્ષની ચેમ્બરમાં બપોરે પહોંચી ગયા હતા અને અધ્યક્ષને રાજીનામું ન આપવા માટે સમજાવવાના પ્રયત્નો પણ થયા હોવાનું જાણવા મળ્યું છે.