(એજન્સી) નાગપુર, તા.૧૧
મહારાષ્ટ્રના વિદર્ભના યાવતમાલ જિલ્લામાં પપ વર્ષીય ખેડૂતે મંગળવારે આત્મહત્યા કરી છે. પાકની નિષ્ફળતાના લીધે દેવું વધી જતા એમણે આત્મહત્યાનું પગલું લીધું છે. એમણે પોતાની યાતનાઓ માટે મોદી સરકારને જવાબદાર ઠરાવ્યું છે.
યાવતમાલના ઘંટનજી તાલુકાના રાજુરવાડી ગામના નિવાસી શંકર ભાઉરાવ ચાયારેએ આત્મહત્યા કરતા પહેલાં ૬ પાનાની નોંધ લખી હતી. જેમાં લખ્યું હતું. હું લોનના બોજા હેઠળ દબાયેલ છું. જેના લીધે આત્મહત્યા કરી રહ્યો છું અને મારી આત્મહત્યા માટે નરેન્દ્ર મોદી સરકાર જવાબદાર છે.
ચાયારે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી હંસરાજ આહિર, દેવેન્દ્ર ફડનવીસ અને ભાજપના ધારાસભ્ય રાજુને પોતાના કુટુંબને મદદ કરવા વિનંતી કરી છે.
યવતમાલના એસ.પી. રાજકુમારે કહ્યું કે અમને સ્યુસાઈડ નોટ મળી છે. એમણે કહ્યું કે નોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લખ્યું છે અને આત્મહત્યા માટે એમને જવાબદાર ઠરાવ્યું છે. પણ અમને હજી આ નોટની ખરાઈ કરવાની છે અને મૃત્યુનો ચોક્કસ કારણ પણ શોધવાનો છે. અમે એના માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.
ચાયારે પાસે ૯ એકર જમીન છે. એમની ઉપર ૧.૪૦ લાખનું બેંકો અને ખાનગી સાહુકારોનું દેવું હતું. એમના કપાસના પાકમાં જીવાત લાગી જવાથી પાક નિષ્ફળ ગયું હતું. જેથી એ હતાશ થયો હતો.
આ પહેલા પણ એમણે ઝાડથી લટકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પણ નિષ્ફળ રહ્યો હતો. એ પછી એમણે જંતુનાશક દવા પીધી હતી જેના લીધે એમનું મૃત્યુ થયું.
ચાયારે પોતાની પાછળ પત્ની, ત્રણ પુત્રીઓ અને એક પુત્ર મૂકી ગયા છે. એમની પત્ની અને દીકરીઓએ કહ્યું કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી સામે ગુનો નોંધવામાં નહીં આવશે ત્યાં સુધી એ ચાયારેનું અંતિમ સંસ્કાર નહીં કરશે. એમણે વળતર પેટે ૧ કરોડ રૂપિયાની માગણી સરકાર પાસેથી કરી છે. રાજ્યના કૃષિ વિભાગના કિશોર તિવારીએ ચાયારેની મૃત્યુ બદલ દુઃખ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે સરકાર તરફથી શકય વધુમાં વધુ મદદ કુટુંબને અપાશે. તીવારીએ એ સાથે રાજકીય પક્ષો ઉપર આક્ષેપો મૂકતા કહ્યું કે એ મૃત્યુ વખતે પણ રાજકીય લાભ લેવાની વેતરણમાં છે અને પીડિત કુટુંબને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
વિદર્ભમાં સેંકડો ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ખેતીમાં અનિશ્ચિતતાઓના પગલે છેલ્લા એક દાયકાથી આ વિસ્તારમાં ખેડૂતોની આત્મહત્યાઓ ખૂબ જ વધેલ છે.
ચાયારેની મૃત્યુના લીધે ગામના લોકો ચળવળકારી દેવાનંદ પવારેની આગેવાની હેઠળ ઘંટાંજી પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને સૂત્રોચ્ચારો કર્યા. એમણે નરેન્દ્ર મોદી સામે એફઆઈઆર નોંધવાની માગણી કરી. એમની માગણી હતી કે ઓછામાં ઓછું આત્મહત્યામાં મદદગારીનો કેસ નોંધવામાં આવે. કારણ કે ખેડૂતો પોતાની મૃત્યુનોંધમાં મોદીનું નામ લખ્યું છે. શું સામાન્ય સંજોગોમાં જો મૃત્યુ નોંધમાં કોઈ વ્યક્તિનું નામ હોય છે તો એમની સામે ગુનો નોંધવામાં આવતો નથી ?
જો કે પોલીસે કેસ નોંધ્યો નથી. પણ ચાયારેની દીકરીની ફરિયાદ લીધી છે. જેમાં એમણે મોદી સામે ઈપીકોની કલમો હેઠળ ગુનો નોંધવાની માગણી કરી છે.