અમદાવાદ, તા.ર૯
કોરોના જેવી મહામારીમાં ગંભીરતાનું ભાન ભૂલી અનેક લોકો ફેક વીડિયો કે ઓડિયો બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી લોકોને અને તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. જેમાં પાછળથી આવા વીડિયો બનાવનારને જ પસ્તાવાનો વારો આવે છે. આવો જ એક બનાવ પોરબંદરમાં સામે આવ્યો છે જેમાં વાયરલ વીડિયોમાં એક શખ્સ પાસે કોરોનાની દવા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મારી પાસે કોરોનાની દવા છે. સરકારને આ દવા હું મફતમાં આપીશ. સરકાર મને કોરોનાના ઈન્જેકશન આપે અને પછી મારી બનાવેલી દવાથી મારા પર પ્રયોગ કરે. જો એ દવા સાર્થક સાબિત થાય તો લોકોને તે મફતમાં આપવામાં આવે. હું આ દવા સરકારને એક શરતે આપીશ. જો સરકાર મારી શરત માને અને સંસદમાં ખરડો પસાર થાય તો જ દવા આપીશ. વીડિયો વાયરલ કરનાર પોરબંદરના શખ્સ રાજુ કેશવાલાએ આ વીડિયોમાં દાવો તો કર્યો છે પણ તેની પાસે આવી કોઈ દવા નથી. પોલીસે વીડિયો તૈયાર કરી વાયરસ કરનાર શખ્સની ધરપકડ કરી છે. સૂત્રોના મતે આ યુવાનની માનસિક સ્થિતિ સારી ન હોય તેવી શક્યતા છે. જો કે, પોલીસે જ્યારે પૂછપરછ કરી ત્યારે તેણે સ્વીકાર્યું કે તેની પાસે આવી કોઈ દવા નથી. તેણે આ વીડિયો વાયરલ કર્યો હતો. આ મામલે પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આમ આ કિસ્સો ફેક ખોટા વીડિયો વાયરલ કરનારા અને કોરોના વિશે અફવાઓ ફેલાવનારા સહિતના લોકો માટે ચેતવણીરૂપ છે. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ પર પોલીસની બાજ નજર છે. માટે કોરોનામાં લોકડાઉનનું પાલન કરી ઘરમાં રહેવું એ જ સાચો નાગરિક ધર્મ છે.