(એજન્સી) નવી દિલ્હી, તા.૮
૩૦ એપ્રિલના રોજ ટ્‌વીટ કરી ભારતમાં મુસ્લિમો પર થતાં અત્યાચારોની નોંધ લેવા બદલ કુવૈતી સરકારનો આભાર વ્યક્ત કરતી પોસ્ટ મૂકવા બદલ દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ડૉ.ઝફરૂલ ઈસ્લામખાન વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ૬ મેના રોજ દિલ્હી પોલીસ તેમના ઘરે જઈ ટૂંક સમયમાં પરત ફરી હતી. સોશિયલ મીડિયામાં ટિપ્પણી બદલ ઝફરૂલ ઈસ્લામખાન સામે થયેલી ફરિયાદ પછી દિલ્હી પોલીસના સાયબર સેલે તેમને ત્યાં દરોડા પાડયા હતા. એક ન્યૂઝ વેબસાઈટ સાથે ઈન્ટરવ્યુમાં ઝફરૂલ ઈસ્લામખાને કહ્યું હતું કે, મારે તમને જણાવવું જ પડશે કે ઘણા લોકોને મારું કામ પસંદ નથી કારણ કે અમે હિન્દુત્વવાદી રાજકારણની નોંધ લઈ રહ્યા છીએ. અમે ઉત્તર-પૂર્વ દિલ્હીની ઘટનાઓ, ત્રિશુલ યાત્રા, મસ્જિદ તેમજ મદ્રેસાઓ પર થતાં હુમલાઓની પણ નોંધ લઈ રહ્યા છીએ. તેમને આ બધુ ગમતું નથી. માટે આ પણ કહેવું જોઈએ કે મારી વિરૂદ્ધ આ બધા ષડયંત્રો પાછળનો વાસ્તવિક ઉદ્દેશ એ છે કે, મને બીજી વાર લઘુમતી પંચના ચેરમેનનો પદ ન મળે અને હું તમને આ પણ કહી દઉં કે તેમણે આમાં સફળતા પણ મેળવી લીધી છે. જ્યારે ખાનને તેમના ટ્‌વીટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડૉ.ખાને કહ્યું હતું કે મારો આ ટ્‌વીટ ભારતમાં મુસ્લિમોના દમનની નોંધ લેવાનો નિર્ણય અંગે હતો. મને લાગ્યું કે અહીં જે ચાલી રહ્યું છે તેની નોંધ લેવા બદલ માટે તેમનો આભાર વ્યક્ત કરવો જોઈએ. અરબ દેશોમાં ભારતીય મુસ્લિમો સારી છાપ ધરાવે છે. મારા નિવેદનના છેલ્લા ફકરામાં મેં કહ્યું હતું કે જો ભારતીય મુસ્લિમો અરબ વિશ્વને અથવા તો મુસ્લિમ જગતને ફરિયાદ કરશે તો હિન્દુત્વ માટે પ્રપ્રાત આવી જશે. મેં આ શબ્દનો ઉપયોગ હિન્દુત્વાદી નફરત ફેલાવનારાઓ માટે કર્યો હતો. ભારતીયો કે હિન્દુઓ માટે નહીં.