(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
ગીતાંજલિ જેમ્સના પ્રમોટર અને નીરવ મોદીની સાથે મળીને પીએનબી કૌભાંડ આચરનાર આરોપી મેહુલ ચોકસીએ સીબીઆઈને પત્ર લખીને તપાસમા સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. મારી સાથે કારોબાર કરતાં લોકો મને ધમકી આપી રહ્યાં છે તેવું મેહુલ ચોકસીએ સીબીઆઈને કહ્યું. ૧૨,૪૦૦ કરોડના કૌભાંડનો આરોપી મેહુલે પોતાની ખરાબ સ્થિતિનું કારણ ટાંકીને ભારત આવીને તપાસમાં સહયોગ આપવાનો ઈન્કાર કરી દીધો છે. ચોકસીએ કહ્યું કે ફેબ્રુઆરી ૨૦૧૮ માં મારૂ હૃદયનું ઓપરેશન થયું હતું, તેને કારણે હું ભારત આવી શકું તેવી સ્થિતિ નથી. જોકે ચોકસીએ તે પોતે હાલ ક્યાં છે તે અંગે કંઈ ન જણાવ્યું. તે ઉપરાંત ચોકસીએ બિઝી હોવાનું પણ કારણ આપ્યું અને કહ્યું કે મારો વિદેશમાં કારોબાર હોવાને કારણે ઘણા કામો હજુ પુરા કરવાના છે તેથી ભારત આવી શકિશ નહીં. પત્રમાં ચોકસીએ લખ્યું કે હું કહેવા માંગું છું કે મુંબઈના પ્રાદેશિક કચેરીએ એ ન જણાવ્યું કે મારો પાસપોર્ટ કેવી રીતે રદ કરી નાખવામાં આવ્યો, હું જાણવા માંગું છું કે હું ભારત માટે ખતરો કેવી રીતે હોઈ શકું. ઉલ્લેખનીય છે કે સરકારે નીરવ મોદી અને મેહુલ ચોકસીનો પાસપોર્ટ રદ કરી નાખ્યો હતો.