અમદાવાદ, તા.૧૮
એકલવાયું જીવન જીવતી મહિલાના ખબર અંતર પૂછવાના બહાના હેઠળ હવસની ભૂખ સંતોષવાની ઈચ્છા એક નરાધમને ભારે પડી છે. એકલતાનો લાભ લઈને આ નરાધમે મહિલા પાસે શારીરિક સંબંધની માંગણી કરી હતી. મહિલાએ ઈન્કાર કરતા જ આરોપીએ શારીરિક સંબંધ નહીં રાખે તો બદનામ કરીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદી મહિલા છેલ્લા કેટલાક સમયથી શિક્ષિકા તરીકે નોકરી કરે છે અને એકલવાયું જીવન ગુજારે છે. તે છેલ્લા દસેક વર્ષથી ભરત વ્યાસ નામની વ્યક્તિને ઓળખે છે. ૧૫મી જૂનના સવારે આરોપી ફરિયાદીના ઘરે તેમના ખબર અંતર પૂછવા માટે ગયો હતો અને આ દરમિયાન તેણે ફરિયાદીને શારીરિક સબંધ બાંધવાની માગણી કરી હતી. જો કે, મહિલાએ ના કહી દેતા આરોપી ઉશ્કેરાયો હતો અને મહિલાને ગંદી ગાળો ભાંડી હતી. ફરિયાદીએ તેને આવું ન કરવાનું કહેતા તેણે ધમકી આપી હતી કે, ‘તું મારી સાથે શારીરિક સંબંધ નહીં રાખે તો તને બદનામ કરી જાનથી મારી નાખીશ.’ આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદમાં આરોપી ત્યાંથી જતો રહ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.