(એજન્સી) તા.૧૦
સીરિયાના પ્રમુખ બશર અલ-અસદે દાવો કર્યો હતો કે તેમની હત્યા કરાવવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તૈયાર કરેલી યોજના અમેરિકાની વર્ષો જૂની નીતિનો ભાગ છે. અસદે આ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આ પ્રકારના કૃત્યો બદલ અમેરિકાને સજા કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સંતુલન હોવું જરૂરી છે. રશિયાની એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં અસદે કહ્યું હતું કે રાજકીય હત્યાઓ અમેરિકાની કાર્યવાહીનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ દાયકાઓથી દરેક જગ્યાએ આવું જ કરતા આવ્યા છે. આમાં કશું નવું નથી. તેમણે કહ્યું હતું કે તમારે હંમેશા આ યાદ રાખવું જોઈએ કે જુદા જુદા કારણોસર આ પ્રકારની યોજનાઓ હંમેશા અસ્તિત્વ ધરાવે છે. સીરિયાની પરિસ્થિતિ અને અમેરિકનો સાથે અમારા સંઘર્ષને ધ્યાનમાં લેતાં અમારા માટે આ અપેક્ષિત હતું. અસદે આગળ કહ્યું હતું કે, જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે અસંતુલન છે ત્યાં સુધી અમેરિકાને આ પ્રકારના કૃત્યો કરતાં કોઈ રોકી નહીં શકે. તેઓ જુદા જુદા ક્ષેત્રોમાં આ પ્રકારના કૃત્યો આચરતા રહેશે.