(એજન્સી) હૈદરાબાદ, તા. ૨
એક તેલુગ ન્યૂઝ ચેનલમાં કામ કરતી ૩૬ વર્ષીય રાધિકા રેડ્ડીએ રવિવારે મોડી રાતે હૈદરાબાદમાં પાંચમા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હૈદરાબાદના મૂસાપેટ વિસ્તારમાં પોતાના ફ્લેટના પાંચમા માળેથી આપઘાત કરી લીધો. પોલીસને રાધિકા પાસેથી એક સ્યુસાઈટ નોટ મળી આવી છે જેમાં તેણે લખ્યું કે હું ડિપ્રેશનમાં હોવાથી અંતિમ પગલું ભરૂ છું. મારા મોત માટે કોઈ જવાબદાર નથી. તેણે લખ્યું કે ‘મારૂ મગજ મારૂ દુશ્મન’,સાબિત થયું. પોલીસે કહ્યું કે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. કુકટપેલ્લી પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર વી પ્રસન કુમારે કહ્યું કે રાતના ૧૦.૪૦ કલાકે નોકરીએ પરત આવ્યાં બાદ રાધિકા પોતાના ફ્લેટના પાંચમા માળે ગઈ અને ત્યાંથી કૂદકો માર્યો. તેને ઘણી ઈજાઓ પહોંચી અને ઘટનાસ્થળે જ તેનુ મોત થયું. પોલીસે કહ્યું કે રાધિકાના તાજેતરમાં છૂટાછેડા થયાં છે અને ત્યારથી તે પોતાના ૧૪ વર્ષીય દિવ્યાંગ પુત્રની સાથે પિયરમાં રહેતી હતી.