(એજન્સી) નવી દિલ્હી,તા.૭
જ્યારે પણ પર્યાવરણ સંરક્ષણનું નામ આવે છે તો લોકોના મગજમાં મોટાભાગે સ્વીડન નિવાસી ગ્રેટા થનબર્ગનો ફોટો સામે આવે છે. માત્ર સંયુકત રાષ્ટ્રમાં જ નહીં પણ ભારત સહિત દુનિયાના ઘણા દેશ ગ્રેટાના કામને કારણે તેમના વખાણ કરવામાં પાછળ નથી પડતા. પણ પર્યાવરણ માટે કામ કરનારા બાળકોમાં માત્ર ગ્રેટા જ નથી. પણ ઘણા બધા બાળકોના નામ સામેલ છે. પર્યાવરણ સંરક્ષણ માટે ભારતની આઠ વર્ષીય પર્યાવરણ કાર્યકર્તા લિકીપ્રિયા કંગુજામ પણ મહત્વની ભુમિકા નિભાવી રહી છે. પર્યાવરણ સંરક્ષણને લઈ ઘણી જગ્યાઓ પર તે પ્રદર્શન કરતી પણ જોવા મળી છે. ગત વર્ષ વર્લ્ડ ચિલ્ડ્રન પીસ સમ્માનથી નવાજવામાં આવેલ લિકીપ્રિયા નરેન્દ્ર મોદી સરકારથી નારાજ દેખાઈ રહી છે. લિકીપ્રિયાને સરકારે એવા શખ્સિયતના રૂપે દેખાડવામાં આવી છે જે પ્રેરણા આપે છે પણ લિકીપ્રિયાએ આ સમ્માન પર નારાજગી જાહેર કરી છે. લિકીપ્રિયાએ કહ્યું કે, તેઓને સમ્માનને બદલે સાંભળવું જોઈએ સરકાર તરફથી સોશિયલ મીડિયા પર તેઓને શી ઈન્સ્પાયર્સ અર્સ અભિયાન હેઠળ દેખાડવામાં આવી પણ તેઓએ આના પર જવાબ આપતા આ સમ્માનને ઠુકરાવવાનો નિર્ણય લીધો. લિકીપ્રિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરતા લખ્યું કે, ‘ડિયર પીએમ, મહેરબાની કરી મારા સમ્માન પર જશ્ન ન મનાવશો, જો તમે મારો અવાજ નથી સાંભળી રહ્યા. શી ઈન્સ્પાયર્સ અર્સ હેઠળ મને એ છોકરીઓ અને મહિલાઓમાંથી એકના રૂપે ચૂંટવા બદલ આભાર જે લોકોને પ્રેરિત કરે છે. મે આ વિશે ઘણીવાર વિચાર્યું પણ આ સમ્માન ન લેવાનો નિર્ણય લીધો છે. જય હિન્દ’
લિકીપ્રિયાના ટવીટર એકાઉન્ટ પર લખવામાં આવ્યું છે કે, ટવીટર એકાઉન્ટ તે નહીં પણ તેના વાલી દ્વારા ચલાવવામાં આવે છે. નોંધનીય છે કે શી ઈન્સ્પાયર્સ અર્સ વડાપ્રધાન મોદી તરફથી શરૂ કરવામાં આવેલ આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવાનું એક અભિયાન છે. પીએમ મોદીએ સાથે કહ્યું હતું કે જેઓ પોતાના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટસ એ મહિલાઓને આપશે. જેમની વાર્તા લોકોને પ્રેરણા આપે છે. જેથી સરકાર ટવીટર હેન્ડલ પર એવી મહિલાઓની વાર્તાઓ શેયર કરી રહ્યા છે જેઓએ સારૂ કામ કરતા ઘણા લોકોને પ્રેરણા આપી છે. લિકીપ્રિયા મણિપુરની એક પર્યાવરણ કાર્યકર્તા છે. ગત વર્ષ તેઓને એપીજે અબ્દુલ કલામ ચિલ્ડ્રન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.