(એજન્સી) તા. ૨૧
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાહે શુક્રવારે કહ્યું કે વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને પાછો ખેંચવા સંબંધિત સંકેત આપ્યા નહોતા. નેશનલ કોન્ફરન્સના સાંસદે કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ તેમના પ્રથમ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે કોઇ પણ વ્યક્તિ ભારત સરકાર પર વિશ્વાસ કરી શકે તેમ નથી. એક દિવસ પણ એવો વીતતો નથી કે જ્યારે આ સરકારના લોકો જુઠ્ઠું બોલતા નથી. તમને જણાવી દઇએ કે ગત ઓગસ્ટ મહિનામાં સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્ય તરીકેનો દરજ્જો છીનવી લીધો હતો અને રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દીધો હતો. ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે આ પગલું અનપેક્ષિત હતું. હું એક દિવસ પહેલાં જ વડાપ્રધાનને મળ્યો હતો. તેમણે એવો કોઈ સંકેત આપ્યો નહોતો. મેં તેમને કહ્યું હતું કે આટલા બધા જવાનો મોકલવાની શું જરૂર છે ? સહલાણીઓને જમ્મુ-કાશ્મીરમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા, અમરનાથ યાત્રા રદ કરી દેવામાં આવી હતી. આ બધુ જ વિચિત્ર હતું. જાણે પાકિસ્તાન સાથે યુદ્ધ કે પછી કંઈક બીજું. અબ્દુલ્લાહે કહ્યું કે જ્યારે અમે વડાપ્રધાન મંત્રીને સવાલ કર્યો તો તેમણે કંઈ કહ્યું નહીં પણ તે ઉપરાંતની અન્ય વાતો કરી હતી. આજે તમે વડાપ્રધાનને શું કહેવા માગશો તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે હું વડાપ્રધાનને કહેવા માગીશ કે તમે ઈમાનદાર બનો. હકીકતમાં તથ્યોનો સામનો કરતા શીખો. અબ્દુલ્લાહે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે કોઈ પણ વ્યક્તિ ભારત સરકાર પર વિશ્વાસ કરી શકે તેમ નથી. આ અસંભવ છેપ એક દિવસ પણ એવો વીતતો નથી કે તેઓ જુઠ્ઠું ન બોલતા હોય.