(એજન્સી) બેઈજીંગ, તા.૭
માલદીવમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર ચીને ભારતના હસ્તક્ષેપ ન કરવા જણાવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ગેંગ શુઆંગે ભારતનું નામ લીધા વગર માલદીવના મામલામાં કોઈપણ દેશને હસ્તક્ષેપ ન કરવા જણાવ્યું હતું. ગેંગ શુઆંગનું કહેવું છે કે, આશા છે કે, સંબંધિત પક્ષ વાતચીત દ્વારા પોતાના મતભેદોને ખતમ કરે તેવી શક્યતા છે. તેની સાથે જ માલદીવમાં ઝડપથી રાજકીય સ્થિરતા અને રાષ્ટ્રીય તથા સામાજિક સ્થિરતાની બહાલી થઈ શકશે. શુઆંગે કહ્યું છે કે, તેમને આશા છે કે, માલદીવ સરકાર અને ત્યાંની રાજકીય પાર્ટીઓ આ સંકટને સમાપ્ત કરવામાં સક્ષમ છે. માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને ઈમરજન્સીની જાહેરાત કરતાં સુપ્રીમકોર્ટના જજની સાથે વિપક્ષી નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ મામુન અબ્દુલ ગય્યુમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. આ રાજકીય સંકટની વચ્ચે રાષ્ટ્રપતિ યામીનની તાનાશાહીની વિરૂદ્ધ માલદીવના વિપક્ષી અને સુપ્રીમકોર્ટે ભારત પાસેથી મદદ માંગી છે. જો કે, ભારતે સત્તાવાર રીતે મદદની જાહેરાત કરી નથી પરંતુ એ પહેલાં જ ચીનને મતભેદ ઊભો થયો છે. ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને કહ્યું કે, માલદીવમાં ઈમરજન્સીને પરેશાન કરનાર સુપ્રીમકોર્ટના જજોની ધરપકડનો આદેશ ચિંતાજનક છે. ચીન ભારતની આ પ્રતિક્રિયાથી ખુશ નથી. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા સંપાદકીયમાં કહ્યું છે કે, રાજકીય સંકટ કોઈપણ દેશનો આંતરિક મામલો છે. નવી દિલ્હીનો આ મામલે હસ્તક્ષેપ કરવો ઉચિત નથી. માલદીવ ખૂબ જ ઉંડાઈ સુધી ભારતના દબાણમાં છે. આગળ સંપાદકીયમાં લખ્યું કે ભારત દક્ષિણ એશિયન દેશો પર નિયંત્રણ ઈચ્છે છે. નવી દિલ્હી નાના દક્ષિણ એશિયન દેશો દ્વારા સ્વતંત્રતા, સ્વરાજ્ય અને ખાસ કરીને અન્ય તાકતવર દેશોની સાથે સંબંધો માટે કરાયેલા પ્રયાસ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. દક્ષિણ એશિયન દેશોની વચ્ચે એકતાની ભાવના વધી રહી છે. તમામ નાના દક્ષિણ એશિયન દેશ ભારતનો લાભ ઉઠાવી પોતાને બહાર નીકળવા માંગે છે. ભારતે પશ્ચિમ રાજકારણની પ્રણાલિ અપનાવી છે. ચીનને ખતરો છે કે, જો ભારતના હસ્તક્ષેપથી યામીનની સરકારને ખતરો પહોંચે છે અને વિપક્ષી દળને સત્તા મળે છે તો ચીન અને માલદીવના સંબંધો નબળા થશે. આ બધાની વચ્ચે માલદીવ સંકટ પર ભારત સરકારે સંકેત આપ્યો છે કે, ભારત આ મામલે એસઓપીનું પાલન કરી શકે છે જેમાં સેના તૈયાર રાખવાનું સામેલ છે.