અમદાવાદ,તા.૩૦
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ સત્તાવાળાઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનું ખોટુ અર્થઘટન કરી માલધારી સમાજ પર થઇ રહેલા અત્યાચાર મામલે માલધારી સમાજ દ્વારા આજે બપોરે ૩-૩૦ વાગ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઇ શહેરના મેયરનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માલધારી સમાજના ૧૫૦૦થી વધુ લોકો એકત્ર થયા હતા અને અમ્યુકો કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર અને નારાઓ સાથે હલ્લો મચાવ્યો હતો. એક તબક્કે ખુદ માલધારી સમાજના જ ભાજપના કોર્પોરેટર અને માલધારી સમાજના આગેવાનો વચ્ચે ચકમક ઝરી હતી. માલધારી સમાજના પ્રતિનિધિમંડળે મેયર ગૌતમ શાહને મળી રૂબરૂ આવેદનપત્ર પાઠવી ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને જો ૨૪ કલાકમાં નિર્ણય નહી લેવાય તો આગામી દિવસોમાં મુખ્યમંત્રી વિજયરૂપાણી રિવરફ્રન્ટ પર આવે છે ત્યારે માલધારી સમાજ દ્વારા આશ્ચર્યકારક કાર્યક્રમ યોજવામાં આવશે. તેવી ચીમકી આપવામાં આવી હતી. શહેરમાં રખડતા ઢોરો સામે અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા પોલીસ તંત્રની મદદથી હાથ ધરાયેલી કાર્યવાહી અન્યાયી અને અત્યાચારી હોવાનો વિરોધ વ્યકત કરવા માલધારી સમાજના લોકોએ આજે ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી, દાણાપીઠ ખાતે એકત્ર થઇ મેયરનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ યોજયો હતો. ૧૫૦૦થી વધુ લોકો માલધારી સમાજના અમ્યુકો કચેરી ખાતે ઉમટતા વાતાવરણ તંગ બની ગયું હતું અને ભારે ગરમાવો આવી ગયો હતો. માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજી દેસાઇના નેજા હેઠળ પ્રતિનિધમંડળે મેયર ગૌતમ શાહને મળી રૂબરૂ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. મેયર ગૌતમ શાહે આ સમગ્ર મામલે ઘટતુ કરવાની હૈયાધારણ આપી હતી પરંતુ માલધારી સમાજે પોતાની માંગણીઓ મુદ્દે ૨૪ કલાકમાં નિર્ણય નહી લેવાય તો, આગામી દિવસોમાં જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આવવાના છે ત્યારે તેમની સામે માલધારી સમાજ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે અને માલધારી સમાજની વ્યથા મામલે રજૂઆત કરવામાં આવશે એવું પણ સ્પષ્ટ કરાયું હતું. માલધારી સમાજના હલ્લા વેળા સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.
આવેદનપત્રમાં કઈ કઈ માગણી કરાઈ ?

(૧) અમ્યુકો સત્તાવાળાઓ પોલીસને સાથે રાખીને માલધારી સમાજના લોકો પર કલમ-૩૦૮ની કલમ ખોટી રીતે લાગુ કરે છે તે તાત્કાલિક રદ કરો
(૨) માલધારી સમાજના જે ચાર લોકોને ઢોર માર મરાયો તે પ્રકરણમાં જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરો
(૩) અડચણરૂપ કિસ્સામાં દંડની કાર્યવાહી વાજબી પણ અમ્યુકો અને પોલીસ સત્તાવાળાઓ માલધારી સમાજને એક જ ગુનાની ત્રણ સજાઓ આપી રહ્યા છે, તે બંધ કરો
(૪) હાઇકોર્ટના ચુકાદાનું સત્તાવાળાઓ ખોટું અર્થઘટન કરી રહ્યા છે અને માલધારી સમાજના લોકોને અત્યાચારનો ભોગ બનાવી રહ્યા છે તે બંધ કરો
(૫) હાઇકોર્ટે વરસાદમાં તૂટી ગયેલા અને ધોવાઇ ગયેલા રસ્તાઓ મામલે ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટરો વિરૂધ્ધ કાર્યવાહી કરવા પણ કહ્યુ છે તો આવા ભ્રષ્ટાચારીઓને પકડીને પૂરો
(૬) અમ્યુકો જાહેર કરે કે, અત્યારસુધીમાં અમદાવાદ શહેરની કેટલી ગૌચર જમીન બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને પધરાવી દેવાઇ ?
(૭) અમદાવાદના છેવાડે માલધારી સમાજ માટે ખાસ વસાહત બનાવો અને આ સમસ્યાનું નિરાકરણ લાવો