મોડાસા, તા.૧૪
ભારત ભ્રમણે નીકળેલ સ્પેનિશ કપલ અરવલ્લી જિલ્લાના માલપુરના જંગલ વિસ્તારમાં પહોંચ્યું હતું. સ્પેનિશ કપલની ટ્રાવેલર ગાડી ખાડામાં ખૂંપી જતા સ્પેનિશ યુવકે વનવિભાગ તંત્રના કર્મચારીઓની મદદ માંગતા ટ્રેક્ટરની મદદથી ટ્રાવેલર બસ બહાર નીકાળવામાં મદદ કરતા સ્પેનિશ કપલે વનવિભાગના કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી ગોવા જવા નીકળી ગયું હતું વહીવટી તંત્ર, સ્થાનિક તંત્ર અને આઈ.બી. વિભાગને સ્પેનિશ કપલ ત્રણ દિવસ જંગલમાં રોકાણ કર્યું એ અંગે જાણ હતી કે, પછી ગંધ સુદ્ધાં આવી નથી જેવા પ્રશ્નો સ્થાનિકોમાં પેદા થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રૂઘનાથપુરા ગામ નજીક વાત્રક નદીના કિનારે જંગલ જેવા વિસ્તારમાં ત્રણ-ચાર દિવસથી એક સ્પેનિશ કપલ રોકાણ કરવાની રહેવા ખાવાની સુવિધાથી સજ્જ મર્સીડીઝ ટ્રાવેલરમાં પહોંચી પડાવ નાખ્યો હતો. રૂઘનાથપુરાથી પ્રયાણ કરતા સમયે સ્પેનિશ કપલની ટ્રાવેલર બેન્ઝ જંગલમાં વાત્રક નદીના કિનારે કાદવમાં ખૂંપી જતા સ્પેનિશ યુવકે અનેક પ્રયત્નો કરવા છતાં બહાર ન નીકળતા નજીકમાં આવેલ વનવિભાગ તંત્રની નર્સરીમાં ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને પહોંચી વનવિભાગના કર્મચારીઓ રોહિત ભારતીય અને રાજુભાઈ નામના કર્મચારી પાસે સ્પેનિશ ભાષામાં મદદ માંગતા બંને કર્મચારીઓ મૂંઝવણમાં મૂકાયા હતા. વનવિભાગના કર્મચારીઓએ ગૂગલ ટ્રાન્સ્લેટના આધારે સ્પેનિશ ભાષાનું ગુજરાતીમાં રૂપાંતરિત કરતા વિદેશી યુવકની ટ્રાવેલર જંગલમાં ખાડામાં ફસાઈ હોવાની જાણ થતા વનવિભાગના કર્મચારીઓ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ટ્રેક્ટરની મદદથી ટ્રાવેલર ગાડી બહાર કાઢી આપતા સ્પેનિશ કપલ પર તણાયેલી ચિંતાની લકીરો દૂર થતા ખુશીથી ઝુમી ઉઠ્યું હતું અને ગોવા તરફ પ્રયાણ કર્યું હતું વનવિભાગ તંત્રના કર્મચારીઓ પણ સ્પેનિશ કપલ જે જગ્યાએ ગાઢ જંગલ વિસ્તારમાં ફસાયું હતું તે સ્થળ પર કઈ રીતે પહોંચ્યું હશે તે અંગે અચંબિત બન્યા હતા સ્પેનિશ કપલે ત્રણથી ચાર દિવસ રોકાણ કર્યું ત્યારે ગામલોકોમાં પણ કુતુહલ સર્જાયું હતું. પરંતુ આ અંગે અગમ્ય કારણોસર તંત્રને જાણ કરવાનું મુનાસીબ માન્યું ન હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી વિદેશી યુવક જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદવા ઇલેક્ટ્રિક મોપેડ લઈ માલપુર બજારની મુલાકાત પણ બે ત્રણ વાર કરી હોવાનું વેપારી આલમમાં ચર્ચા ચાલી રહી છે.