મોડાસા, તા.૯
ખોટી રીતે રૂપિયા મેળવવા લોકો અવનવા પેતરા રાચતા હોય છે. વીમા કંપનીનો વીમો પકાવવા વીમા ધારકની હત્યા. તેના નજીકના વ્યક્તિ કે પરિવારજનો કરી હોવાની અનેક ઘટનાઓ દેશ-વિદેશમાં બની રહી છે. અરવલ્લી જિલ્લાના માલપુર ગામમાં ૧૯ વર્ષ પહેલા અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત નિપજતા ગામના જ એક શખ્શે મૃતક યુવક અપરણિત હોવા છતાં તેની પત્નીને મૃતકની પત્ની તરીકે વારસદાર બતાવી અને વાહન અને ચાલક ખોટા ઊભા કરી વીમા કંપની પાસે વધુ નાણાકીય લાભ મેળવવા રચેલા કાવતરાનો કોર્ટમાં અજાણ્યા શખ્શે કરેલી અરજીના આધારે પર્દાફાશ થતા માલપુર પોલીસ સ્ટેશનમાં પતિ-પત્ની સહિત ૪ શખ્સો અને કાવતરામાં સામેલ અન્ય શખ્સો સામે ફરિયાદ નોંધાતા સમગ્ર તપાસની ગંભીરતા સમજી તપાસ જિલ્લા એલસીબીને સુપ્રત કરાઈ છે.
માલપુર ગામમાં રહેતા અમૃત કોદરભાઈ વણકરનું તા.૦૭-૦૨-૨૦૦૧ના રોજ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ગામમાં જ રહેતા હીરાભાઈ ગણેશભાઈ વણકર અને રૂઘનાથપુરાના ડાહ્યા સંકાળાભાઈ રાવળે અકસ્માતમાં વાહનની ગોઠવણ કરી મૃતક યુવક અપરણિત હોવાથી હીરાભાઈ વણકરે તેમની પત્ની પૂનીબેન વણકરને મૃતકની પત્ની બનાવી વીમા કંપનીમાં વારસદાર તરીકે બતાવી ખોટી રીતે વીમા કંપની પાસેથી વધુ નાણાકીય લાભ મેળવવા મૃતકના સગાવ્હાલાઓ સાથે મળી ખોટા દસ્તાવેજ ઊભા કરી મૃતક યુવકના પિતા કોદર પુંજાભાઈ વણકર (મરણજનાર) તેમનો પુત્ર અપરણિત હોવા છતાં પરણિત જણાવી તપાસના કામે પોલીસને તેમજ કોર્ટને ગેરમાર્ગે દોરી નાણાકીય લાભ મેળવવા ખોટા દસ્તાવેજો ઊભા કરવાનું કૌભાંડ કોર્ટમાં અજાણ્યા શખ્સે કરેલી અરજીના લીધે પર્દાફાશ થતા ભારે ચકચાર મચી હતી.માલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ.વાઘેલા ફરિયાદી બની ૧)હીરાભાઈ ગણેશભાઈ વણકર, ૨)પૂની હીરા વણકર, ૩)કોદરભાઈ પુંજાભાઈ વણકર (હયાત નથી) ત્રણે રહે, વણકરવાસ માલપુર અને ૪)ડાહ્યા સાંકળાભાઈ રાવળ (રહે, રૂઘનાથપુરા-માલપુર) તથા તપાસમાં મળી આવે તે તમામ વિરૂદ્ધ ઇપીકો કલમ-૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૮૨, ૧૨૦(બી) મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.