હિંમતનગર, તા.રપ
સાબરકાંઠા જિલ્લાના ખેરોજ પોલીસ સ્ટેશનની હદમાં રવિવારે સાંજે પેટ્રોલિંગ કરી રહેલ ખેરોજ પોલીસે માલાવાસ અને લાંબડિયા નજીકથી પાસ પરમિટ વિના લઈ જવાતા અંદાજે રૂા.૭.૮પ લાખથી વધુના દારૂના જથ્થા સાથે બે વાહનોને ઝડપી લીધા હતા અને તેમની વિરૂદ્ધ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે ખેરોજ પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રવિવારે તેમની ટીમ ખેરોજ ત્રણ રસ્તા પર વાહન ચેકિંગ કરી હતી ત્યારે અહીંથી પસાર થતી મારૂતી સિયાઝ કાર નં. જીજે-૦પ-જેએન-૭પ૩૭ શંકાસ્પદ જણાતા તેને પોલીસે ઈશારો કરીને ઊભી રહેવા માટે જણાવ્યું હતું. પરંતુ કારના ચાલકે પોલીસને જોઈ તરત જ યુટર્ન લઈ લાંબડિયા તરફ ભગાડી ગયો હતો. જો કે, પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કરતાં આ કાર માલાવાસ પાસેના વળાંકમાં રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને કારનો ચાલક ભાગી ગયો હતો. પોલીસે કારમાંથી રૂા.૪,૧૩,૯ર૦ની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કુલ રૂા.૧૧,૧૩,૯ર૦નો મુદ્દામાલ કબજે લઈ ભાગી ગયેલા કારચાલક વિરૂદ્ધ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
તો બીજી તરફ અન્ય એક ઘટનામાં રવિવારે ખેરોજ પોલીસનો સ્ટાફ લાંબડિયાની પારસ વિદ્યાલય પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કોટડા તરફથી આવતી શંકાસ્પદ કારને ઊભી રખાવવાનો પ્રયાસ કરતા આ કારનો ચાલક માલાવાસ તરફ કાર લઈને જતો રહ્યો હતો. તેમ છતાં પોલીસે તેનો પીછો કરી માલાવાસની સીમમાંથી ઝડપી લીધી હતી. ત્યારબાદ કાર નં.જીજે૦રસીપી ૮૧૧રમાં તપાસ કરતા તેમાંથી રૂા.૩,૭૧,ર૯પનો વિદેશી દારૂ પોલીસને હાલ લાગ્યો હતો. તેથી પોલીસે માલાવાસ પાસે પણ રૂા.૧૧,૭૧,ર૯પનો મુદ્દામાલ કબજે લઈ ભાગી ગયેલા કારચાલક વિરૂદ્ધ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.