(એજન્સી) ઔરંગાબાદ, તા. ૨૦
વર્ષ ૨૦૦૮માં માલેગાંવ બ્લાસ્ટમાં આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે આરોપ લગાવ્યો છે કે, પહેલાની સરકારે આતંકવાદી પ્રવૃત્તિના નામે મને જેલમાં મોકલવાનું ષડયંત્ર રચ્યું હતું. ભગવા રંગ ત્યાગચાના એક કાર્યક્રમમાં સભાને સંબોધતા સાધ્વીએ કહ્યું કે, ભગવા આતંકવાદના નામે ષડયંત્ર રચાયું હતું અને વૈશ્વિક સ્તરે દેશનુ નામ ખરડવાની કોશિશ કરાઇ હતી. મીડિયાને સંબોધતા સાધ્વીએ આરોપ લગાવ્યો હતો કે, તેને જેલ સત્તાવાળાઓએ ઘણી યાતનાઓ આપી હતી. સાધ્વીએ દાવો કર્યો હતો કે, મહિલાને જેલના સળિયા પાછળ ધકેલવાનું તેમનું ષડયંત્ર હતું અને તેમની થિયરી પર દબાણપૂર્વક નિવેદન આપવા કહેવાયું હતું. અયોધ્યામાં વિવાદાસ્પદ રામ મંદિર અંગે વાત કરતા સાધ્વીએ કહ્યુ હતું કે, ભગવાન રામ જ્યાં જન્મ્યા હતા ત્યાં વહેલી તકે રામ મંદિર બનશે. હું પોતે ત્યાં ગઇ હતી અને અયોધ્યામાં રામ મંદિરના બાંધકામ અંગેની ચકાસણી કરી હતી. ગયા વર્ષે બોમ્બે હાઇકોર્ટે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞાને જામીન આપ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૦૮માં થયેલા માલેગાંવ બ્લાસ્ટમાં છ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે ૧૦૧ લોકો આ વિસ્ફોટમાં ઘવાયા હતા.